ફિલ્મ પુષ્પા 2માં 6 મિનિટના સીન પર ખર્ચાયા 60 કરોડ, OTT રાઇટ્સ વેચાયા, જાણો કયા પ્લેટફોર્મે મારી બાજી
સાઉથનો સુપરસ્ટાર અલ્લુ અર્જુન અત્યારે તેની આગામી ફિલ્મ 'પુષ્પા 2'ને લઈને ચર્ચામાં છે. થોડા દિવસો પહેલા જ અલ્લુના જન્મદિવસ પર 'પુષ્પા 2'નું પહેલું ટીઝર રિલીઝ થયું હતું. આ ટીઝરને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો.
અલ્લુ અર્જુને પોતાના બર્થ ડે પર ટીઝર શેર કરતા લખ્યું હતું કે, "તમારા જન્મદિવસની શુભેચ્છાઓ માટે હું તમારા બધાનો ખૂબ આભારી છું. મારું હૃદય તમારા પ્રેમથી ભરાઈ ગયું છે. આ ટીઝરને મારી તરફથી થેંક્યુ સમજજો." હવે ફિલ્મને લઈને વધુ એક અપડેટ સામે આવ્યું છે. ચર્ચા છે કે, 6 મિનિટના સીનને શૂટ કરવા માટે મેકર્સે 60 કરોડ રૂપિયા ખર્ચ્યા છે.જેને પૂર્ણ કરવામાં 30 દિવસનો સમય લાગ્યો હતો. એટલું જ નહીં, ફિલ્મના OTT રાઇટ્સ પણ હવે ખરીદવામાં આવ્યા છે.
મેકર્સે 6 મિનિટના સીન માટે 60 કરોડ રૂપિયા ખર્ચ્યા
રિપોર્ટ્સનું માનીએ તો 'પુષ્પા 2'નું બજેટ 500 કરોડ રૂપિયા છે. ફિલ્મના મ્યુઝિક રાઇટ્સ અને હિન્દી સેટેલાઇટ રાઇટ્સ 'ટી સિરીઝ'ને 60 કરોડ રૂપિયામાં વેચવામાં આવ્યા છે. જ્યારે તેલુગુ સેટેલાઇટ રાઇટ્સ 'સ્ટાર મા'ને આપવામાં આવ્યા છે. તેની રકમ અંગે કોઈ માહિતી મળી નથી.
આ સાથે એવી પણ માહિતી છે કે, નેટફ્લિક્સે ડિજિટલ રાઇટ્સ લીધા છે જેના માટે 100 કરોડ રૂપિયા આપ્યા છે. જોકે, મેકર્સ તરફથી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.