કડક કાર્યવાહી કરાશે...: સોશિયલ મીડિયા પોસ્ટ મુદ્દે ભડક્યો અલ્લુ અર્જુન, ફેન્સને કરી અપીલ
Allu Arjun: સાઉથ સુપરસ્ટાર એક્ટર અલ્લુ અર્જુન પોતાની ફિલ્મ 'પુષ્પા 2'ની રિલીઝ બાદથી જ સતત ચર્ચામાં છે. એકબાજુ જ્યાં ફિલ્મ બ્લોકબસ્ટર હિટ થઈ રહી છે અને તેની કમાણી તમામ રેકોર્ડ તોડી રહી છે, ત્યારે બીજી બાજુ ફિલ્મની સ્ક્રિનિંગ દરમિયાન થયેલો અકસ્માત પણ એટલો જ વિવાદમાં છે. આ બંને ઘટનાઓના કારણે લોકો પણ બે જૂથમાં વહેંચાઈ ગયા છે. એક બાજુ લોકો અલ્લુ અર્જુનના સપોર્ટમાં જોવા મળ્યા તો બીજી બાજુ લોકો અલ્લુ અર્જુનનો વિરોધ કરી રહ્યા છે.
ખોટું વર્તન ન કરવાની આપી સલાહ
સોશિયલ મીડિયા પર અલ્લુ અર્જુનના કેટલાક સાચા ફેન્સ તેના નામે ખુલ્લેઆમ પોસ્ટ કરી રહ્યા છે, તો બીજી તરફ ઘણા લોકો એક્ટરના ફેન્સ હોવાનો ઢોંગ કરી રહ્યા છે અને લોકો સાથે ગેરવર્તન કરી રહ્યા છે. આ અંગે અલ્લુ અર્જુને એક પોસ્ટ કરી અને લખ્યું, "હું મારા તમામ ફેન્સને વિનંતી કરું છું કે, તેઓ જવાબદારીપૂર્વક તેમની લાગણીઓ વ્યક્ત કરે, હંમેશની જેમ, કોઈપણ પ્રકારની અભદ્ર ભાષા કે વર્તનનો ઓનલાઈન અને ઓફલાઈન ઉપયોગ ન કરો." અલ્લુ અર્જુને પોતાના ફેન હોવાની આડમાં કાયદો હાથમાં ન લેવાની વાત કરી અને કડક ચેતવણી પણ આપી.
અલ્લુ અર્જુને ફેન્સને આપી ચેતવણી
અલ્લુ અર્જુને પોતાના X એકાઉન્ટ પર લખ્યું કે, 'મારા ફેન હોવાની આડમાં નકલી આઈડી અથવા પ્રોફાઇલ બનાવીને, જો કોઈ અપમાનજનક પોસ્ટ કરતાં દેખાય, તો તેની સામે કડક એક્શન લેવામાં આવશે. હું મારા ફેન્સને વિનંતી કરૂ છું કે, આ પ્રકારની પોસ્ટ ન કરો.' અલ્લુ અર્જુનની આ પોસ્ટ પર તેના સારા ફેન્સનું રિએક્શન પણ સામે આવ્યું છે. એક સોશિયલ મીડિયા યુઝરે કોમેન્ટ કરી કે, 'અમે હંમેશા તમારી સાથે છીએ. સત્યમેવ જયતે' વળી એક વ્યક્તિએ લખ્યું - ડટે રહો બની બૉય. અમે જાણીએ છીએ કે, તમે તેલુગુ સિનેમાનું નામ દેશભરમાં ઊંચુ કરવા ઈચ્છો છો.
શું છે પુષ્પા ફેમ અલ્લુ અર્જુનનો વિવાદ?
આ મહિને સાઉથ ઇન્ડિયન સ્ટાર અલ્લુ અર્જુનની પુષ્પા-2 ફિલ્મના ચોથી ડિસેમ્બરે યોજાયેલા સ્ક્રીનિંગમાં હૈદરાબાદમાં સંધ્યા થિયેટરમાં ભારે ભીડ ઉમટી પડી હતી. એ વખતે ચાહકો અલ્લુ અર્જુનની એક ઝલક જોવા ઉમટી પડતાં નાસભાગ થઈ હતી. આ દરમિયાન એક 35 વર્ષીય મહિલાનું મોત થયું હતું, જ્યારે તેનો નવ વર્ષનો પુત્ર બેભાન થઈ ગયો હતો. આ મામલે અલ્લુ અર્જુન વિરુદ્ધ પણ કેસ નોંધાયો છે. આ મામલે મહિલાના પરિવારે ફરિયાદ કરતાં અલ્લુ અર્જુન, તેની સુરક્ષા ટીમ, થિયેટર મેનેજમેન્ટ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 105, 118 (1) હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી.
નોંધનીય છે કે, આ ઘટનામાં દિલસુખનગરમાં રહેતી 35 વર્ષીય રેવતી તેના પતિ અને બે બાળકોમાં એક 9 વર્ષીય શ્રીતેજ અને 7 વર્ષીય સાન્વિકા સાથે સંધ્યા થિયેટર ફિલ્મ જોવા ગઈ હતી. આ દરમિયાન નાસભાગ મચી જતાં રેવતી અને તેનો નવ વર્ષનો પુત્ર બેભાન થઈ ગયા હતા. ત્યાર પછી પોલીસે તુરંત જ માતા અને પુત્રને વિદ્યાનગરના દુર્ગાભાઈ દેશમુખ હૉસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાં ડૉક્ટરે રેવતીને મૃત જાહેર કરી હતી. જ્યારે બાળકની હાલત વધુ ગંભીર હોવાથી વધુ સારવાર માટે KIMS હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.