અલ્લુ અર્જુનના બેડરૂમમાં ઘૂસી ગયા હતા પોલીસ જવાનો? દુર્વ્યવહારના આરોપો પર હૈદરાબાદ પોલીસની સ્પષ્ટતા
Allu Arjun latest News: હૈદરાબાદમાં 4 ડિસેમ્બરના રોજ ફિલ્મ પુષ્પા 2ના સ્ક્રિનિંગ દરમિયાન નાસભાગ મચી ગઈ હતી. આ નાસભાગમાં એક મહિલાનું મોત થયું હતું. નીચલી અદાલતે અલ્લુ અર્જુનને મહિલાના મૃત્યુ કેસના સંબંધમાં 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યો હતો. જો કે સાંજે તેલંગાણા હાઇકોર્ટે તેને જામીન આપી દીધા હતા. આજે સવારે અભિનેતા જેલમાંથી બહાર આવ્યો હતો.
અલ્લુ અર્જુનની ધરપકડ બાદ તેલંગાણા પોલીસ પર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. પોલીસ પર અભિનેતાના બેડરૂમમાં ઘૂસી જવાનો તેમજ તેને નાસ્તો કરવા અને કપડાં બદલવાની પણ મંજૂરી ન આપવાનો આરોપ લાગ્યો હતો.
અલ્લુ અર્જુન સાથે દુર્વ્યવહાર અંગે પોલીસનો જવાબ
હવે પોલીસે અભિનેતા સાથે દુર્વ્યવહારના આરોપ અંગે ખુલાસો કર્યો છે. હૈદરાબાદ પોલીસે એ આરોપોને નકારી કાઢ્યા હતા કે પોલીસકર્મીઓએ અલ્લુ અર્જુનની ધરપકડ સમયે તેની સાથે ગેરવર્તન કર્યું હતું. આ અંગે પોલીસે કહ્યું કે, 'જ્યારે પોલીસ અભિનેતાના નિવાસસ્થાને પહોંચી, ત્યારે તેણે કપડાં બદલવા માટે થોડો સમય માંગ્યો. અલ્લુ અર્જુન તેના બેડરૂમની અંદર ગયો, પોલીસકર્મીઓ બહાર રાહ જોતા હતા અને જ્યારે તે બહાર આવ્યો, ત્યારબાદ તેને અટકાયતમાં લેવામાં આવ્યો હતો.'
હૈદરાબાદ પોલીસે કહ્યું કે, 'કોઈ પણ પોલીસકર્મીએ અભિનેતા સાથે બળપ્રયોગ કર્યો ન હતો. અભિનેતાને તેના પરિવાર અને પત્ની સાથે વાત કરવા માટે પણ પૂરતો સમય આપવામાં આવ્યો હતો અને તે પોતે બહાર આવીને પોલીસ વાહનમાં બેસી ગયો હતો.'
તેલંગાણા હાઇકોર્ટે અભિનેતાને રૂ. 50,000ના અંગત બૉન્ડ પર ચાર અઠવાડિયા માટે વચગાળાના જામીન આપ્યા છે.
આ પણ વાંચો: જેલમાં અલ્લુ અર્જુનને ન મળી કોઈ VIP ટ્રીટમેન્ટ, ફર્શ પર વિતાવી રાત, ભોજન પણ ન લીધું
25મી જાન્યુઆરી સુધી રાહત
હૈદરાબાદ પોલીસે મહિલાના પરિવારની ફરિયાદના આધારે ચિક્કડપલ્લી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 105 અને 118 (1) હેઠળ અલ્લુ અર્જુન, તેની સુરક્ષા ટીમ અને થિયેટર મેનેજમેન્ટ સામે કેસ નોંધ્યો છે. અલ્લુ અર્જુને 11 ડિસેમ્બરે તેલંગાણા હાઇકોર્ટમાં મહિલાના મૃત્યુના સંબંધમાં તેની સામે નોંધાયેલ FIR રદ કરવાની વિનંતી કરી હતી. હાઇકોર્ટે તેમને ચાર અઠવાડિયા માટે વચગાળાના જામીન આપ્યા અને કેસની આગામી સુનાવણી 21 જાન્યુઆરી, 2025 સુધી મુલતવી રાખી.