અલ્લુ અર્જુન તો માત્ર મહોરું! પૂર્વ CMના પુત્રની ધરપકડની ચાલી રહી છે તૈયારી: રિપોર્ટ
Allu Arjun Arrested By Police: સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની ચિક્કડપલ્લી પોલીસે ધરપકડ કર્યા બાદ કોર્ટે 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યો છે. હૈદરાબાદમાં સંધ્યા થિયેટરમાં પુષ્પા-2 ફિલ્મના સ્ક્રિનિંગ વખતે થયેલી નાસભાગમાં એક મહિલાનું મોત થતાં કેસ નોંધાયો હતો. કેટલાક લોકો અલ્લુ અર્જુનની ધરપકડને રાજકીય નાટક ગણી રહ્યા છે. અલ્લુ અર્જુનને એક મહોરું બનાવવામાં આવ્યો હોવાના અહેવાલો પણ મળ્યા છે.
અલ્લુ અર્જુનની અચાનક ધરપકડથી તેના ચાહકો સ્તબ્ધ બન્યા છે. કારણ કે 5 ડિસેમ્બરે નોંધવામાં આવેલા કેસમાં ત્યારથી કોઈ કાર્યવાહી થઈ ન હતી. વધુમાં અલ્લુ અર્જુનના કેસને રદ કરવા સંબંધિત એક અરજી પણ હાઇકોર્ટમાં દાખલ કરી હતી. પરંતુ અચાનક આ ધરપકડથી અનેક અટકળો બજારમાં વહેતી થઈ છે. ઘણા રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે આ ધરપકડ વ્યૂહરચનાના ભાગરૂપે કરવામાં આવી છે.
મીડિયા અહેવાલ મુજબ, આ બધું ફોર્મ્યુલા E કાર રેસના મામલાને કારણે થઈ રહ્યું હોવાનું છે. જાણવા મળ્યું છે કે તેલંગાણાના રાજ્યપાલ જિષ્ણુ દેવ વર્માએ પૂર્વ રાજ્ય મંત્રી કેટીઆર વિરુદ્ધ ફરિયાદ નોંધવાની મંજૂરી આપી દીધી છે અને આ ફાઇલ રાજ્ય સરકારને પણ મોકલવામાં આવી છે. KTR પર રાજ્યમાં હિંસા ફેલાવવાનું કાવતરું ઘડ્યું હોવાનો પણ આરોપ મૂકાયો હતો. ઈ-કાર રેસમાં સરકારી ફંડનો દુરુપયોગ કર્યો હોવાનો આરોપ હેઠળ કેટીઆર સામે એફઆઇઆર નોંધાયા બાદ તેમની ધરપકડ ગમે ત્યારે થઈ શકે છે. ચર્ચા છે કે, રેવંત રેડ્ડી દિલ્હીમાં છે. તે કેન્દ્ર સરકાર સાથે આ મામલે ચર્ચા કરવા ગયા છે. તે કેન્દ્ર સરકારને વિશ્વાસ અપાવી રહ્યા છે કે, આ ધરપકડથી કોઈ મુશ્કેલી નહીં થાય. અલ્લુ અર્જુનની ધરપકડથી મીડિયા અને જનતાનું ધ્યાન ભટકાવવામાં આવ્યું છે. જેથી કેટીઆરની ધરપકડ વખતે કોઈ ખાસ વિવાદ ન થાય.
અલ્લુ અર્જુનની કયા કેસમાં ધરપકડ કરવામાં આવી?
સ્ક્રિનિંગ હૈદરાબાદમાં રાખવામાં આવ્યું હતું. હૈદરાબાદના સંધ્યા થિયેટર પાસે આ કાર્યક્રમ દરમિયાન નાસભાગ મચી ગઈ હતી. જેમાં રેવતી નામની મહિલાનું મોત થયું હતું. જ્યારે તેમનો પુત્ર ઘાયલ થયો હતો. આ દુર્ઘટના બાદ અલ્લુ અર્જુને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક વીડિયો પોસ્ટ કરીને માફી માંગી હતી અને મહિલાના પરિવારને 25 લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત પણ કરી હતી. 5 ડિસેમ્બરે, મહિલાના પરિવારની ફરિયાદ પર, પોલીસે અલ્લુ અર્જુન અને તેની સુરક્ષા ટીમ સાથે થિયેટર મેનેજમેન્ટ સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 105 અને 118 (1) હેઠળ કેસ નોંધ્યો હતો.