Get The App

અભિનેતા અલ્લુ અર્જુનને રાહત, હાઇકોર્ટે 50 હજારની જમાનત પર આપ્યા 4 સપ્તાહના વચગાળાના જામીન

Updated: Dec 13th, 2024


Google NewsGoogle News
અભિનેતા અલ્લુ અર્જુનને રાહત, હાઇકોર્ટે 50 હજારની જમાનત પર આપ્યા 4 સપ્તાહના વચગાળાના જામીન 1 - image


Allu Arjun Arrested For Women Death: અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા-2ના સ્ક્રીનિંગ દરમિયાન થયેલી નાસભાગમાં એક મહિલાનું મોત થતાં તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. આ કેસમાં આખરે અલ્લુ અર્જુનને હાઇકોર્ટમાંથી વચગાળાના જામીન મળી ગયા છે. નાસભાગ કેસમાં જાણીતા અભિનેતા અલ્લુ અર્જુનને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લઈ જવાયો હતો. પોલીસ સ્ટેશનમાં નિવેદન નોંધ્યા બાદ તેને કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. જ્યાં કોર્ટે તેને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો હતો. બીજી તરફ અલ્લુ અર્જુને તેની સામેની ફરિયાદ રદ કરવા તેલંગાણા હાઇકોર્ટમાં અરજી કરી હતી. નીચલી કોર્ટે અલ્લુને જ્યુડિશિલ કસ્ટડીમાં મોકલવાના કેસની સુનાવણી બાદ હાઇકોર્ટમાં કરેલી અરજીની સુનાવણી હાથ ધરાઈ હતી. અલ્લુના વકીલે હાઇકોર્ટમાં વચગાળાના જામીન આપવાની માગ કરી હતી. હાઇકોર્ટે તમામ દલીલો સાંભળ્યા બાદ વચગાળાના જામીન આપ્યા હતા.

50 હજારના બૉન્ડ પર મળ્યા વચગાળાના જામીન

અલ્લુ અર્જુનને તેલંગાણા હાઇકોર્ટે રૂ. 50 હજારના બૉન્ડ ચૂકવવાની શરતે ચાર સપ્તાહ માટે વચગાળાના જામીન મંજૂર કર્યા છે. જસ્ટિસ જુવ્વેદી શ્રીદેવીની સિંગલ જજની બેન્ચે નોંધ્યું હતું કે, અર્જુન પ્રારંભિક ધોરણે આ ઘટના માટે જવાબદાર નથી. તે મુવી પ્રીમિયર માટે પરવાનગી સાથે ગયો હતો. આ ઘટનાને જાણી જોઈને હત્યાના ઉદ્દેશ સાથે અંજામ આપવામાં આવ્યો નથી.  

સનસની ફેલાવવા માટે કરાઈ ધરપકડ: વકીલ

હાઇકોર્ટે જામીન મંજૂર કરતાં કહ્યું હતું કે, ઘટના જાણી જોઈને ઘટી નથી. અલ્લુએ સમગ્ર કેસની તપાસમાં પોલીસને પૂરતો સહયોગ આપવાની ખાતરી આપી છે. તો સુનાવણીમાં અલ્લુ અર્જુનના વકીલે દાવો કર્યો છે કે, અભિનેતાની ધરપકડ સનસની ફેલાવવા માટે હતી, જેની જરૂર ન હતી. જજે પણ સવાલ કર્યો હતો કે, શું અભિનેતાની ધરપકડ બીએનએસની કલમ 105 (બી) અને 118 હેઠળ થઈ શકે છે, શું તે આ ઘટના માટે જવાબદાર છે? જેની સામે સરકારી વકીલે જણાવ્યું હતું કે, અર્જુન અભિનેતા છે, પણ હાલ તે આરોપી છે. તેની ઉપસ્થિતિના કારણે ભીડ થઈ હતી. જેના લીધે આ દુર્ઘટના ઘટી હતી.


અલ્લુ અર્જુનના સમર્થનમાં આવ્યો વરુણ ધવન

અલ્લુ અર્જુનની ધરપકડ થતાં ઘણા નેતાઓ અને અભિનેતાઓ તેના સમર્થનમાં ઉતર્યા. કેટીઆર રાવે પણ અલ્લુ અર્જુનની ધરપકડને પોલીસની નિષ્ફળતા ગણાવતાં જણાવ્યું હતું કે, 'પોલીસ કાયદો અને વ્યવસ્થા જાળવી શકી નહીં અને ધરપકડ અભિનેતાની કરી. તે પોલીસની નિષ્ફળતા દર્શાવે છે'. વરુણ ધવને પણ વીડિયો જાહેર કરી અલ્લુ અર્જુનને સમર્થન આપ્યું છે.

કોર્ટમાં શાહરુખ ખાન સામેના કેસનો કરાયો ઉલ્લેખ

તેલંગાણા હાઇકોર્ટમાં અભિનેતા અલ્લુ અર્જુન સામે હત્યાના આરોપ (સેક્શન 304) સંબંધિત કેસમાં, તેના વકીલે કોર્ટ સમક્ષ  કહ્યું હતું કે, "પોલીસના રિમાન્ડ રિપોર્ટમાં એવું કંઈ નહોતું કે અભિનેતાના આગમનથી કોઈનું પણ મૃત્યુ થઈ શકે. એ સામાન્ય છે કે કલાકારો તેમની ફિલ્મોના પ્રથમ શોમાં હાજરી આપે છે." વકીલે શાહરુખ ખાન વિરુદ્ધ ગુજરાત હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના કેસ ટાંક્યા હતા. શાહરુખની ફિલ્મ રઈસના પ્રમોશન દરમિયાન નાસભાગને કારણે મૃત્યુ થયું ત્યારે તેની સામે હત્યાનો કેસ નોંધવામાં આવ્યો હતો. કોર્ટે તે સમયે જણાવ્યું હતું કે, 'આવા કેસોમાં આરોપો ત્યારે જ સાબિત થાય છે જો મૃત્યુનો સીધો સંબંધ અભિનેતાની બેદરકારી અને ખોટી ક્રિયાઓ સાથે હોય'.


અભિનેતા અલ્લુ અર્જુનને રાહત, હાઇકોર્ટે 50 હજારની જમાનત પર આપ્યા 4 સપ્તાહના વચગાળાના જામીન 2 - image

સંધ્યા થિયેટરે ચોંકાવનારો પત્ર જારી કર્યો

હૈદરાબાદના સંધ્યા થિયેટર અને પોલીસ પ્રશાસન વચ્ચે અભિનેતા અલ્લુ અર્જુનને બોલાવવા મુદ્દે વિવાદ સર્જાયો છે. થિયેટર મેનેજમેન્ટે એક અરજી પત્ર જાહેર કરતાં દાવો કર્યો છે કે, તેમણે અભિનેતાના આગમાનની બે દિવસ પહેલાં જ પોલીસને આ અંગે જાણ કરી સુરક્ષા વ્યવસ્થાની માગ કરી હતી. પુષ્પા-2ના પ્રચાર દરમિયાન અલ્લુ અર્જુનના આગમનની જાણકારી પોલીસને લેખિતમાં આપવામાં આવી હતી. તેમ છતાં પોલીસે કોઈ ખાસ પગલાં લીધા ન હતાં.


પોલીસે સવારે નાસ્તો પણ ન કરવા દીધો

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, હૈદરાબાદ પોલીસે અલ્લુ અર્જુનની વહેલી સવારે જ ધરપકડ કરી હતી. પોલીસે તેને સવારનો નાસ્તો પણ કરવા દીધો ન હતો. સીધા બેડરૂમમાંથી જ તેની ધરપકડ કરવામાં આવી હતી. તેને ચા પણ પીવા દીધી ન હતી. બાદમાં તે ઊભા ઊભા પોલીસ સામે જ ઝડપથી ચા પીને તાત્કાલિક પોલીસ વાનમાં બેસી ગયો હતો.

અલ્લુ અર્જુનનું ગાંધી હૉસ્પિટલમાં કરાયું મેડિકલ ચેકઅપ

અલ્લુ અર્જુનને મેડિકલ ચેકઅપ માટે પોલીસ ગાંધી હૉસ્પિટલ લઈ ગઈ હતી. અહીં સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો હતો. બાદમાં તેને ચિક્કડપલ્લી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. ત્યાં હૈદરાબાદ નાસભાગ કેસમાં એક પ્રત્યક્ષદર્શીની સાક્ષીમાં સેન્ટ્રલ ઝોન ડીસીપીએ તેનું નિવેદન નોંધ્યું હતું. 

રાજકારણ ગરમાયું

અલ્લુ અર્જુન સામેના સમગ્ર કેસને લઈને રાજકારણ ગરમાયું છે. દિગ્ગજ નેતા KTR અલ્લુ અર્જુનના સમર્થનમાં આવ્યા છે અને કહ્યું છે, કે 'અભિનેતા સાથે એક અપરાધી જેવો વ્યવહાર કરવો યોગ્ય નથી. હું સરકારની આ કાર્યવાહીને વખોડું છું.' 

અલ્લુ અર્જુનના વકીલોની દોડધામ

બીજી તરફ અલ્લુ અર્જુનના વકીલોએ રાહત માટે દોડાદોડ શરુ કરી દીધી હતી. વકીલોએ કોર્ટ સમક્ષ માંગ કરી હતી કે આ મામલે તાત્કાલિક સુનાવણી થવી જોઈએ અને સોમવાર સુધી ધરપકડમાં રાહત આપવી જોઈએ. 

પિતા-ભાઈ પહોંચ્યા હતા પોલીસ સ્ટેશન

અલ્લુ અર્જુનની પોલીસ સ્ટેશનમાં પૂછપરછ ચાલતી હતી ત્યારે અભિનેતાના પિતા અલ્લુ અરવિંદ અને તેનો ભાઈ પણ પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા. બીજી તરફ મીડિયાના સવાલોના જવાબ આપતાં હૈદરાબાદ પોલીસે પુષ્ટિ કરી હતી કે, 'હા અલ્લુ અર્જુનની ધરપકડ કરવામાં આવી છે.' 


કયા કેસમાં કરાઈ કાર્યવાહી? 

આ મહિને સાઉથ ઇન્ડિયન સ્ટાર અલ્લુ અર્જુનની પુષ્પા-2 ફિલ્મના ચોથી ડિસેમ્બરે યોજાયેલા સ્ક્રીનિંગમાં હૈદરાબાદમાં સંધ્યા થિયેટરમાં ભારે ભીડ ઉમટી પડી હતી. એ વખતે ચાહકો અલ્લુ અર્જુનની એક ઝલક જોવા ઉમટી પડતાં નાસભાગ થઈ હતી. આ દરમિયાન એક 35 વર્ષીય મહિલાનું મોત થયું હતું, જ્યારે તેનો નવ વર્ષનો પુત્ર બેભાન થઈ ગયો હતો. આ મામલે અલ્લુ અર્જુન વિરુદ્ધ પણ કેસ નોંધાયો છે. આ મામલે મહિલાના પરિવારે ફરિયાદ કરતાં અલ્લુ અર્જુન, તેની સુરક્ષા ટીમ, થિયેટર મેનેજમેન્ટ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 105, 118 (1) હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી. 

નોંધનીય છે કે, આ ઘટનામાં દિલસુખનગરમાં રહેતી 35 વર્ષીય રેવતી તેના પતિ અને તેના બે બળકો સાથે સંધ્યા થિયેટરમાં ફિલ્મ જોવા ગઈ હતી. આ દરમિયાન નાસભાગ થઈ જતાં રેવતી અને તેનો નવ વર્ષનો પુત્ર બેભાન થઈ ગયા હતા. પોલીસે તુરંત જ માતા અને પુત્રને વિદ્યાનગરના દુર્ગાભાઈ દેશમુખ હૉસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાં ડૉક્ટરે રેવતીને મૃત જાહેર કરી હતી. જ્યારે બાળકની હાલત વધુ ગંભીર હોવાથી વધુ સારવાર માટે KIMS હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.

અભિનેતા અલ્લુ અર્જુનને રાહત, હાઇકોર્ટે 50 હજારની જમાનત પર આપ્યા 4 સપ્તાહના વચગાળાના જામીન 3 - image


Google NewsGoogle News