આલિયાની જિગરા સંજય દત્ત અને શ્રીદેવીની ગુમરાહની રીમેક
- ફિલ્મની સ્ટોરીમાં કેટલાક મોટા ફેરફાર કરાયા છે
- જૂનાં હિટ ગીતો ઉઠાવવા માટે કુખ્યાત કરણ જોહરે અહીં પણ એક હજારોમેં મેરી બહેના ગીત વાપર્યું
મુંબઇ : આલિયા ભટ્ટની આગામી ફિલ્મ 'જિગરા' વાસ્તવમાં સંજય દત્ત અને શ્રીદેવીની હિટ ફિલ્મ 'ગુમરાહ'ની જ રીમેક હોવાનો દાવો થઈ રહ્યો છે. 'ગૂમરાહ' ૧૯૯૩માં રીલિઝ થઈ હતી અને તેમાં એક પ્રેમી તેની પ્રેમિકાને બચાવવા માટે કેટલી હદ સુધી જાય છે તેવી વાર્તા હતી. જ્યારે 'જિગરા'માં એક બહેન તેના ભાઈને બચાવવા માટે તમામ હદ પાર કરી સંઘર્ષ ખેડે છે તેવી વાર્તા છે. આ ફેરફારને બાદ કરતાં મોટાભાગની સ્ટોરી લાઈન એકસરખી જ છે.
'ગૂમરાહ'ના દિગ્દર્શક મહેશ ભટ્ટ હતા અને યોગાનુયોગે 'જિગરા'માં આલિયા ભટ્ટ જ મુખ્ય અભિનેત્રી હોવા ઉપરાંત સહ નિર્માતા પણ છે. 'ગૂમરાહ' પણ ધર્મા પ્રોડક્શનન ફિલ્મ હોવાથી રાઈટ્સના કોઈ ઈશ્યૂ થયા ન હતા.
અલબત્ત જૂની ફિલ્મોનાં હિટ ગીતોની ઉઠાતંરી માટે કુખ્યાત કરણ જોહરે આ ફિલ્મમાં પણ દેવ આનંદ અને ઝિન્નત અમાનની ફિલ્મ 'હરે રામા હરે કૃષ્ણ'નું હિટ ગીત 'એક હજારો મેં મેરી બહેના હૈ'નો ઉપયોગ કર્યો છે.