બાજુની ઈમારતમાંથી ગૂપચૂપ ફોટા પાડી લેવાતાં આલિયા ભારે નારાજ
- મુંબઈ પોલીસે આલિયાને ઔપચારિક ફરિયાદ કરવા જણાવ્યું
- અનુષ્કા શર્મા, કરણ જોહર , અર્જુન કપૂર સહિતની ફિલ્મી હસ્તીઓએ આલિયાની પ્રાઈવસીમાં ખલેલ બાબતે ચિંતામાં સૂર પુરાવ્યો
મુંબઇ : આલિયા ભટ્ટ પોતાના ઘરમાં બારીમાં બેઠી હતી ત્યારે બાજુની બિલ્ડિંગની ટેરેસમાંથી તેના ફોટા પાડવામાં આવ્યા હતા. આલિયાએ અચાનક જ જોયું હતું કે બે ફોટોગ્રાફર્સ તેની તસવીરો લઈ રહ્યા હતા. આ તસવીરો બાદમાં સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ કરવામાં આવતાં આલિયાએ પોતાની પ્રાઈવસીમાં ભંગ બદલ વિરોધ નોંધાવ્યો હતો. આલિયાના વિરોધની નોંધ લઈ મુંબઈ પોલીસે તેને ઔપચારિક ફરિયાદ દાખલ કરવા વિનંતી કરી હતી.
આલિયાએ આ તસવીર બાબતે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે હું મારા ઘરમાં આરામથી બેઠી હતી ત્યારે મારું અચાનક ધ્યાન ગયું હતું કે બાજુની બિલ્ડિંગની ટેરેસમાંથી બે ફોટોગ્રાફર્સ મારા ફોટા લઈ રહ્યા છે. આ શું યોગ્ય છે ? તમને આ રીતે મારી તસવીર પાડવાની મંજૂરી કોણે આપી ? કોઇની અંગત જિંદગીમાં આ રીતે ધૂસવું એ યોગ્ય છે ? દરેક બાબતની એક મર્યાદા અને હદ હોય છે. જેને વટાવવી ન જોઇએ. તેમ છતાં આજે આ સીમા પાર થઇ ચુકી છે. આલિયા આ પોસ્ટમાં મુંબઈ પોલીસને પણ ટેગ કરી હતી.
મુંબઇ પોલીસે આ પછી આલિયાનો સંપર્ક કરીને સઘળ બીના જાણી હતી.પોલીસે આલિયાને સલાહ આપતા ંકહ્યું છે કે, ખાનગીમાં તસવીર લેનારા તસવીરકાર અને ઓનલાઇન પોર્ટલ વિરુદ્ધ આલિયાએ પોલીસ ફરિયાદ નોંધાવવી જોઇએ.
આલિયાની પોસ્ટને અનેક બોલીવૂડ હસ્તીઓએ સમર્થન આપ્યું હતું. અનુષ્કા શર્માએ કહ્યું હતું કે પોતે પણ આ રીતે પ્રાઈવસીનો ભંગ કરીને લેવાતા ફોટા સામે વિરોધ નોંધાવી ચુકી છે. મેં અને વિરાટે અમારી દીકરીના ફોટા નહીં પાડવા વારંવાર વિનંતી કરી હોવા છતાં પણ તેના ફોટા પાડવામાં આવે છે અને સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ કરવામાં આવે છે. અર્જુન કપૂરે કહ્યું હતું કે કોઈ મહિલા પોતાના ઘરમાં પણ સલામત ન હોય એ બહુ શરમજનક કહેવાય. કરણ જોહરે કહ્યું હતું કે કોઈની પ્રાઈવસી પર આવી તરાપને કોઈ રીતે વાજબી ઠેરવી શકાય નહીં.