આલિયાએ રાહાના તમામ ફોટા ઈન્સ્ટા પરથી ડિલીટ કરી દીધા
- હવે સોશિયલ મીડિયા પર પુત્રીનો ફેસ નહિ બતાવે
- સૈફ પર હુમલા બાદ પગલું : પાપારાઝીઓને પણ રાહાના ફોટા કેપ્ચર નહિ કરવા સૂચના
મુંબઈ: આલિયા ભટ્ટે તેની દીકરી રાહાના તમામ ફોટા સોશિયલ મીડિયા પરથી ડિલીટ કરી દીધા છે. તેણે પાપારાઝીઓને પણ હવે પછી તેની દીકરીનો ચહેરો દેખાય એ રીતે તેના ફોટા નહિ લેવા સૂચના આપી હોવાનું કહેવાય છે.
વિરાટ અને અનુષ્કા સહિત કેટલાંય સેલિબ્રિટી કપલ તેમનાં સંતાનોના ફોટા લેવા દેતાં નથી કે તેમના સંતાનોનો ચહેરો દેખાય તેવા ફોટા પણ સોશિયલ મીડિયા પર મૂકતાં નથી.
જોકે, તેથી વિપરીત રીતે આલિયા ભટ્ટ અને રણબીરે પાપારાઝીઓને તેમન દીકરીનો ફોટો ખુશી ખુશી લેવા દીધો હતો. તે પછી તો રાહાની અનેક ક્યુટ ચેષ્ટાઓ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.
જોકે, તાજેતરમાં લોકોનું ધ્યાન ગયું છે કે આલિયાના એકાઉન્ટ પરથી રાહાનો ચહેરો દેખાતો હોય તેવા તમામ ફોટા ગાયબ થઈ ગયા છે. એક ફોટામાં રણબીર અને આલિયા બંને રાહા સાથે દેખાય છે પરંતુ તેમાં રાહાનો ચહેરો કેમેરા તરફ નથી.
એમ મનાય છે કે સૈફ અલી ખાન પર હુમલા બાદ સંખ્યાબંધ સેલિબ્રિટીઓ પોતાની તથા પોતાના સંતાનોની સુરક્ષા બાબતે વધારે સચેત થઈ ગયા છે. તેને પગલે આલિયાએ આ પગલું ભર્યું હોય તેમ મનાય છે. જોકે, આ બાબતે આલિયા તરફથી કોઈ સ્ટેટમેન્ટ અપાયું નથી.