આલિયા ભટ્ટ બોબી દેઓલ સામે એક્શન કરશે
- યશરાજ સ્પાઈ યુનિવર્સની પહેલી મહિલા લીડ ફિલ્મ માટે કોઈ કસર નથી છોડવા માગતા
આલિયા ભટ્ટ ટૂંક સમયમાં યશરાજ ફિલ્મ્સની સ્પાઈ યુનિવર્સની આગામી ફિલ્મમાં પોતાની અભિનય શક્તિનો પરચો દેખાડશે. આલિયા વાયઆરએફ સ્પાઈ યુનિવર્સની પ્રથમ ફીમેલ લીડ એક્ટ્રેસ છે. આ ફિલ્મમાં આલિયા જોરદાર એક્શન કરતી દેખાશે.
શિવ રવૈલ દિગ્દર્શિત અને આદિત્ય ચોપડા સમર્થિત આ ફિલ્મ એક હાઈ-એક્શન ફિલ્મ છે. આ ફિલ્મ બાબતે એક નવીજ અપડેટ જાહેર થઈ છે. અહેવાલ અનુસાર આ ફિલ્મમાં સાત મોટા એક્શન સીક્વન્સ હશે જેના માટે વિશેષ સેટ તૈયાર કરવામાં આવી રહ્યા છે.
એનિમલમાં પોતાના રોલથી વિખ્યાત થયેલો બોબી દેઓલ આ ફિલ્મમાં પણ વિલનની ભૂમિકા ભજવી રહ્યો છે. સર્જકોએ આલિયા અને બોબી દેઓલ વચ્ચે જોરદાર ટક્કરની યોજના બનાવી છે.
ફિલ્મના સૂત્રોએ આપેલી માહિતી અનુસાર યશરાજ ફિલ્મ્સના આદિત્ય ચોપડા આ ફિલ્મને એક કૂલ એક્શન મનોરંજક બનાવવા ઈચ્છે છે. સ્પાઈ યુનિવર્સના પ્રથમ મહિલા લીડ પ્રોજેક્ટ હોવાને કારણે આ ફિલ્મ પર સર્જકો વિશેષ ધ્યાન આપી રહ્યા છે. ફિલ્મમાં આલિયા સાત એક્શન સેટ પીસમાં ધમાકેદાર એક્શન કરતી નજરે પડશે.
આદિત્યા ચોપડાએ ફિલ્મના એક્શન સીન માટે અનેક નિષ્ણાંતોનો સહયોગ લીધો છે. એમાં કોરિયન સ્ટંટ કોઓર્ડિનેટર સી-યોન્ગ ઓહ, ફ્રાંજ સ્પિહોસ અને ઈન્ડિયન એક્શન ડાયરેક્ટર સુનીલ રોડ્રિગ સામેલ છે. તેમના સહયોગનો હેતુ ફિલ્મના એક્શન સીનમાં એક નવું અને અનોખું પરિમાણ લાવવાનો છે.
ફિલ્મના એક સીક્વન્સમાં આલિયા પોતાની જબરદસ્ત માર્શલ આર્ટ્સ સ્કિલ દેખાડતી નજરે પડશે. એક સીનમાં બોબી અને આલિયા વચ્ચે જોરદાર મુકાબલો પણ થશે.
આદિત્ય ચોપડા નિર્મિત સ્પાઈ યુનિવર્સની શરૂઆત ટાયગર ફ્રેન્ચાઈસી સાથે થઈ હતી. પહેલી ફિલ્મ સલમાન ખાન અને કેટરીના કૈફ અભિનિત ટાયગર ૨૦૧૨માં રજૂ થઈ હતી. ત્યાર પછી હૃતિક રોશન અને ટાયગર શ્રોફની વોર અને પછી શાહ રૂખ ખાન અભિનિત પઠાન સુધી પહોંચી હતી. સ્પાઈ યુનિવર્સની છેલ્લી ફિલ્મ ટાયગર ૩ હતી.