બોલિવૂડ અભિનેતા સાથે લૂંટપાટ અને મારામારી : વેકેશનમાં ફરવા માટે ગયો હતો ઈસ્તાંબુલ
Image Twitter |
Ashwath bhatt attacked in istanbul : સુપરહિત ફિલ્મ રાઝી', 'હૈદર', 'કેસરી', 'સીતા રામમ' અને 'મિશન મજનૂ' જેવી સુપરહિટ ફિલ્મોમાં કામ કરી ચૂકેલા અભિનેતા અશ્વથ ભટ્ટે ઈસ્તાંબુલ વેકેશન (તુર્કી)ને લઈને મોટો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે, ઈસ્તાંબુલના એક ફેમસ પ્રવાસન સ્થળ પર જઈ રહ્યા હતા, ત્યારે લૂંટારાઓની ટોળકીએ તેના પર હુમલો કર્યો અને મારપીટ પણ કરી. તેમની સાથે આ ઘટના ઈસ્તાંબુલના બેયોગ્લુ જિલ્લામાં ગલાતા ટાવર પાસે બની હતી.
અશ્વથ ભટ્ટે વધુ જણાવતા કહ્યું કે, તેઓ વેકેશન માટે ઈસ્તાંબુલ ગયા હતા. જો કે, જ્યારે તેઓ વેકેશનનું આયોજન કરી રહ્યા હતા, ત્યારે તેમના મિત્રોએ તેમને ત્યાંના ખિસ્સા કાતરુઓ વિશે પહેલેથી જ ચેતવણી આપી દીધી હતી. જો કે, તેણે તેના મિત્રોની વાતને ખૂબ હળવાશથી લીધી અને વેકેશન પર ગયો. આ ઘટના એ સમયે બની જ્યારે તે ગલાતા ટાવર તરફ જઈ રહ્યો હતો ત્યારે કેટલાક લોકોએ તેમના પર હુમલો કર્યો.
અશ્વથ ભટ્ટ પર સાંકળ વડે હુમલો કરવામાં આવ્યો
હુમલા વિશે વાત કરતાં અશ્વથ ભટ્ટે કહ્યું, 'એક વ્યક્તિ મારી પાસે આવ્યો અને તેના હાથમાં ચેન હતી. શું થઈ રહ્યું છે, તે હું કાંઈક સમજી શકું તે પહેલાં, તેણે મારી પીઠ પર સાંકળ વડે જોરથી મારવાનું શરૂ કર્યું. આ પછી કેટલાક અન્ય વધુ લોકો આવ્યા અને મને બચાવવાને બદલે મારી બેગ છીનવવાની કોશિશ કરવા લાગ્યા હતા. અશ્વથ કહે છે કે તેણે પોતાના શ્રેષ્ઠ પ્રયાસો કર્યા અને હુમલાખોરો સામે તેની તમામ શક્તિથી લડ્યા. જોકે, એટલામાં જ એક ટેક્સી આવી અને તે બધા ત્યાંથી ભાગી ગયા.
પહેલીવાર બનેલી ઘટનાથી ચોંકી ઉઠ્યા હતા
અશ્વથ ભટ્ટનું કહેવું છે કે, મારી સાથે થયેલી મારપીટ અને લૂંટફાટની ઘટના વિશે સ્થાનિક પોલીસને જાણ કરી હતી. પરંતુ તેમણે કહ્યું કે, સામાન્ય રીતે લોકો આવા કેસની જાણ પોલીસને કરતા નથી, જેના કારણે પ્રવાસન સ્થળો પર ગુનાઓ વધી રહ્યા છે. અશ્વથ ભટ્ટે કહ્યું કે, તેઓ ઈજિપ્ત અને યુરોપના ઘણા ભાગોની મુલાકાત લઈ ચૂક્યા છે અને તેમની સાથે આવું ક્યારેય બન્યું નથી. તેની સાથે આવું પહેલીવાર બન્યું છે, જેના કારણે તે એકદમ ચોંકી ગયો છે.