તમારા ડ્રગ્સનું પાર્સલ ઝડપાયું છે...: આલિયા ભટ્ટના મમ્મી સાથે સ્કેમનો પ્રયાસ, કહ્યું- પૈસા માંગ્યા હતા
Soni Razdan: આલિયા ભટ્ટના મમ્મી સોની રાઝદાન સાથે થયેલી છેતરપિંડીના કારણે હાલ તે ચર્ચામાં છે. આ બાબતની જાણકારી આપતા સોની રાઝદાને તેના સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે તેની સાથે છેતરપિંડી થઈ છે. તેને દિલ્હી કસ્ટમ પોલીસનો ડ્રગ્સના મામલામાં કોલ આવ્યો હતો અને તેનો આધારકાર્ડ નંબર માંગીને તેની પાસેથી પૈસા પડાવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો.
સોની રાઝદાને પોસ્ટ શેર કરી જણાવ્યું
સોશિયલ મીડિયા પર સોની રાઝદાને પોસ્ટ શેર કરતા જણાવ્યું હતું કે, 'આપણી આસપાસ મોટું કૌભાંડ ચાલી રહ્યું છે, કોઈએ મને કોલ કરીને કહ્યું કે, 'હું દિલ્હી કસ્ટમથી વાત કરી રહ્યો છું. તમારો ગેરકાયદેસર ડ્રગ્સનો ઓર્ડર છે. હું વ્યક્તિ પોલીસમાં છું.' તે વ્યક્તિએ મારી પાસે આધારકાર્ડ નંબર માંગ્યો. જેમ મને કોલ આવ્યો હતો, તેવી જ રીતે હું જાણું છું તેવા અન્ય કેટલાક લોકોને પણ કોલ આવ્યો છે.
આવા મામલામાં લોકો ડરી પણ શકે છે
"આ લોકો તમને ફોન કરે છે અને ડરાવે અને ધમકાવે છે. આવી વાતો કરીને તમારી પાસેથી પૈસા પણ પડાવે છે. પરંતુ મુખ્ય વાત એ છે કે તમે આવા લોકોની વાતમાં ફસાશો નહિ. હું એવા લોકોને ઓળખું છું જેઓ આની વાતમાં ફસાઈને તેમને મોટી રકમ ટ્રાન્સફર કરી હોય. આથી જ હું આ પોસ્ટ શેર કરું છે જેથી કોઈની સાથે આવું કઈ ન થાય. કારણ કે આવા મામલામાં લોકો ડરી પણ શકે છે."
સાવચેત અને સુરક્ષિત રહો
"જ્યારે તેઓએ મને મારા આધાર કાર્ડ નંબર માટે પૂછ્યું, ત્યારે મેં કહ્યું કે હું તેમને થોડા સમય પછી ડીટેલ્સ આપીશ. તે પછી તેઓએ મને ફરી ફોન કર્યો નહીં. પરંતુ આ અનુભવ મારા માટે પણ ખૂબ ડરામણો હતો. જો તમને આ પ્રકારનો કોઈપણ નંબર પરથી કોલ આવે છે તો તરત જ તેને સેવ કરીને પોલીસને જાણ કરો. હું એવા ત્રણ લોકોને ઓળખું છું જેમને પણ આવો કોલ આવ્યો હતો. જેથી તમે પણ સાવચેત અને સુરક્ષિત રહો."