બોટોક્સનો ફેક વીડિયો વાયરલ થતાં આલિયા ભટ્ટ નારાજ
- અભિનેત્રી ફરી ડીપ ફેકનો શિકાર બની
- કોસ્મેટિક કરેક્શન સૌની વ્યક્તિગત ચોઈસ છે તેમ કહી ભદ્દી મજાક કરનારાની ઝાટકણી કાઢી
મુંબઇ : આલિયા ભટ્ટનો હાલમાં જ એક વીડિયો વાયરલ થયો છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, બોટોક્સ નિષ્ફળ જતાં તેની આડઅસર થી અભિનેત્રીના ચહેરાનો થોડો હિસ્સો લકવાગ્રસ્ત થઇ ગયો છે. આલિયાએ આ વાતનું ખંડન કરીને નારાજગી વ્યક્ત કરી છે. તેણે આવી ભદ્દી મજાક કરનારાની ઝાટકણી કાઢી છે.
આલિયાએ જણાવ્યું છે કે કોઈ જાતના પુરાવા વિના આવા દાવા થઈ રહ્યા છે. તેેને બેફામ વાયરલ કરવામાં આવી રહ્યા છે. આવા ખોટા દાવા કરનારા લોકો યુવાનોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. આ દાવા કરનારા લોકો સ્વાભાવિક રીતે જ સૌના આકર્ષણનું કેન્દ્ર બનવા માગે છે.
આલિયાએ વધુમાં એમ પણ લખ્યું છે કે કોસ્મેટિક કરેક્શન દરેક વ્યક્તિની પોતાની ચોઈસ છે અને તે વિશે કોઈએ પણ જજમેન્ટ આપવાની જરુર નથી.
ઉલ્લેખનીય છે કે આલિયા ભૂતકાળમાં પણ ડીપ ફેક વીડિયોનો શિકાર બની ચૂકી છે.