જાણીતી અભિનેત્રી આલિયા બીજી વાર ડીપ ફેકનો ભોગ બની, ચાહકોએ પણ તરત જ પકડી પાડ્યું
Alia Bhatt again subjected Deep Fake: બોલીવૂડની હિરોઈનોના ડીપ ફેક વીડિયોનો સિલસિલો ચાલ્યો છે. આલિયા ભટ્ટ બીજી વાર ડીપ ફેકનો ભોગ બની છે. કોઈએ મૂળ વામિકા ગબ્બીના ઓરિજિનલ વીડિયોમાં ચેડાં કરી તેના પર આલિયાનો ફેસ મોર્ફ કરી દીધો હતો.
થોડા દિવસો પહેલાં જ સંજય લીલા ભણશાળીની વેબ સીરીઝ 'હીરા મંડી'નું પ્રિમિયર યોજાયું હતું. તેમાં વામિકા ગબ્બી લાલ રંગની સાડીમાં સજ્જ થઈને હાજર રહી હતી. આ ઈવેન્ટમાં આલિયા ભટ્ટ પણ હાજર હતી. વામિકાએ પોતાના પરિધાનનો વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો જે ભારે વાયરલ પણ થયો હતો. લોકોએ ઓટીટીની ટોચની સ્ટાર ગણાતી વામિકાના વીડિયો તથા લાલ સાડીમાં તેના લૂક્સના બહુ વખાણ કર્યાં હતાં.
જોકે, બાદમાં સોશિયલ મીડિયા પર એ જ સાડી-બ્લાઉઝ અને હેર સ્ટાઈલ સાથે આલિયા ભટ્ટનો વીડિયો પણ વાયરલ થતાં લોકોને નવાઈ લાગી હતી. જોકે, ચકોર નેટ યૂઝર્સએ તરત જ પકડી પાડયું હતું કે મૂળ વામિકા ગબ્બીના વીડિયોમાં કોઈએ ચેડાં કરી વામિકાના સ્થાને આલિયાનો ચહેરો મૂકી દીધો છે. લોકોએ તરત જ આ ડીપ ફેક પર પસ્તાળ પાડી હતી અને તેની સામે કાનૂની કાર્યવાહીની માંગ કરી હતી.
ઉલ્લેખનીય છે કે અગાઉ રશ્મિકા મંદાના અને કેટરિના કૈફ સહિતની હિરોઈનો ડીપ ફેકનો ભોગ બની ચૂકી છે. ખુદ આલિયા આ બીજી વાર ડીપફેકનો ભોગ બની છે. અગાઉ વ્હાઈટ કોર્ડ સેટમાં પથારી પર ઢળેલી એક યુવતીના સ્થાને તેનો ચહેરો મોર્ફફ કરી દેવાયો હતો.