આલિયા અને શર્વરીની સ્પાય ફિલ્મનું શૂટિંગ 15 જુલાઈથી
- આલિયાએ એક્શન દૃશ્યો માટે તાલીમ લીધી
- બોબી દેઓલ વિલનના રોલમાં : મુંજ્યા અને મહારાજની સફળતા પછી શર્વરીની મહત્વની ફિલ્મ
મુંબઇ : આલિયા ભટ્ટ અને શર્વરી વાઘની ફિલ્મનું શૂટિંગ આગામી તા. ૧૫મી જુલાઈથી શરુ થવાનું છે. આ ફિલ્મમાં બોબી દેઓલ વિલનના રોલમાં જોવા મળશે. આલિયા ભટ્ટ આ ફિલ્મમાં એકશન દ્રશ્યો ભજવવાની હોવાથી હાલ તે માટે તાલીમ લઇ રહી છે.
મુંબઇના શૂટિંગ પછી ફિલ્મની ટીમ કાશ્મીર રવાના થશે અને ત્યાં પણ થોડા એકશન દ્રશ્યોના શૂટિંગ કરવામાં આવશે. આ ફિલ્મનું શૂટિંગ વિદેશમાં પણ કરવામાં આવશે જેનું શેડયુલ ડિસેમ્બર મહિનામાં છે.
ફિલ્મમાં આલિયા અને શર્વરી લેડી સ્પાયના રોલમાં છે. યશરાજ ફિલ્મસ દ્વારા સ્પાય યુનિવર્સની આ આઠમી ફિલ્મ છે પરંતુ પહેલીવાર આ ફિલ્મમાં લેડી ઓફિસર્સ મુખ્ય ભૂમિકામાં હશે.
શર્વરી માટે કેરિયરની આ બહુ મહત્વની ફિલ્મ હશે. હાલમાં શર્વરીની 'મુંજિયા' અણધારી રીતે સુપરહિટ થઈ છે. આ ઉપરાંત ઓટીટી પર રજૂ થયેલી 'મહારાજ' ફિલ્મમાં પણ તેની નાનકડી ભૂમિકાની નોંધ લેવાઈ છે.