અક્ષય-ટાઈગર સાથે આ ફિલ્મ કરવાનો મને અફસોસ, જાણીતી અભિનેત્રીએ પસ્તાવાનું જણાવ્યું કારણ
Alaya Regret Doing Bade Miyan Chote Miyan: બોલિવૂડમાં અમુક ફિલ્મો હિટ રહે છે તો અમુક ફ્લોપ રહે છે. કેટલીક ફિલ્મો એવી હોય છે જેને જોયા વગર લોકો રહી શકતા નથી, જ્યારે કેટલીક એવી ફિલ્મો હોય છે જેને જોવી કોઈને પસંદ નથી. એમાંથી અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ સ્ટારર ફિલ્મ 'બડે મિયાં છોટે મિયાં'ની વાર્તા અને નિર્દેશન ખૂબ જ નિરાશાજનક હતું.
જે રીતે આ ફિલ્મને લોકો સમક્ષ રજૂ કરવામાં આવી રહી હતી તે જોઈને લાગી રહ્યું હતું કે ફિલ્મ ખૂબ જ જબરદસ્ત બનવા જઈ રહી છે. પરંતુ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખરાબ રીતે પીટાઈ હતી.
અલાયાએ ફિલ્મ 'બડે મિયાં છોટે મિયાં'થી લીધી શીખ
આ ફિલ્મમાં અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ ઉપરાંત માનુષી છિલ્લર અને અલાયા એફ પણ મુખ્ય ભૂમિકામાં હતા. તાજેતરમાં જ અભિનેત્રી અલાયા એફએ એક ઈન્ટરવ્યુમાં ફિલ્મ વિશે વાત કરતા કહ્યું હતું કે આ ફિલ્મે મને ભવિષ્યમાં ફિલ્મો પસંદ કરવાનું શીખવ્યું છે. બડે મિયાં છોટે મિયાંએ મને ઘણી રીતે સ્પષ્ટ કર્યું કે મારે મારા જીવનમાં કેવી ફિલ્મો પસંદ કરવાની છે. આ ફિલ્મે વસ્તુઓને જોવાની મારી રીત પણ ઘણી હદે બદલી નાખી છે.'
હું આ ઈન્ડસ્ટ્રીમાં રસ્તો ભટકી ગઈ હતી: અલાયા
અલાયાએ આ ફિલ્મ કર્યાનો અફસોસ વ્યક્ત કરતા કહ્યું કે, 'હું આ ઈન્ડસ્ટ્રીમાં રસ્તો ભટકી ગઈ હતી. આ ઈન્ડસ્ટ્રીમાં હું માત્ર એક્ટિંગ કરવા માટે આવી હતી. મેં 'બડે મિયાં છોટે મિયાં' જેવી ફિલ્મો પાછળ ઘણો સમય બગાડ્યો. આથી હવે હું અત્યારસુધીમાં મેં કરેલી ફિલ્મો વિષે થોડું વિચારીશ. હું દરેક ફિલ્મો કરતી વખતે એવું જ અનુભવવા માંગું છું કે જેવું મેં મારી પહેલી ફિલ્મ 'જવાની જાનેમન' કરતી વખતે અનુભવ્યું હતું.'
આ પણ વાંચો: કરીના, શબાના અને જયદીપ કોર્ટ રુમ ડ્રામામાં સાથે દેખાશે
વર્ષ 2020થી કરી હતી કારકિર્દીની શરૂઆત
અલાયાએ તેની કારકિર્દીની શરૂઆત વર્ષ 2020માં રિલીઝ થયેલી કોમેડી ફિલ્મ 'જવાની જાનેમન'થી કરી હતી. આ ફિલ્મમાં તેની સાથે સૈફ અલી ખાન અને તબ્બુ પણ લીડ રોલમાં હતા. તેનું ડેબ્યુ ઘણું સારું હતું, અને તેને તેના કામ માટે પ્રશંસા પણ મળી હતી. આ પછી તેણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું જેમાં તેણે લોકોની પ્રશંસા પણ મેળવી. અલાયા છેલ્લે રાજકુમાર રાવની ફિલ્મ 'શ્રીકાંત'માં જોવા મળી હતી.