અક્ષય કુમારની નંદુવાળી એડ છ વર્ષ પછી પાછી ખેંચાઈ
- કોઈ કારણ આપ્યા વિના સેન્સર બોર્ડનો અચાનક નિર્ણય
- સરકારી ફરજિયાત જાહેરાતોમાં સૌથી લોકપ્રિય બનેલી એડ હાલમાં રજૂ થયેલી ફિલ્મો વખતે ગાયબ
મુંબઈ : અક્ષય કુમારની તમાકુ વિરોધી અને મહિલાઓ માટે માસિક ધર્મ દરમિયાન હાઈજિનનો પ્રચાર કરતી થિયેટર્સમાં ફરજિયાત દર્શાવાતી એડ સેન્સર બોર્ડ દ્વારા એકાએક પાછી ખેંચી લેવાઈ છે. જોકે, આ એડ પાછી ખેંચવા માટે કોઈ કારણ અપાયું નથી.
તાજેતરમાં રજૂ થયેલી 'વિકી વિદ્યા કા વો વાલા વીડિયો' સહિતની ફિલ્મોમાં આ ફરજિયાત એડ દર્શાવાઈ ન હતી. કેટલાક પ્રેક્ષકોએ આ બાબતની નોંધ લીધી હતી. આ એડ છ વર્ષથી થિયેટર્સમાં દર્શાવાતી હતી. હવે તેની જગ્યાએ તમાકુ વિરોધી કોઈ નવી એડ જોવા મળે તેવી સંભાવના છે.
આ એડમાં અક્ષય કુમારની સાથે નંદુ તરીકે અજયસિંઘ પાલ નામના એક્ટરે ભૂમિકા ભજવી હતી.
આ એડના કારણે બંને પાત્રો ઘરેઘરમાં જાણીતા બની ગયા હતા. એટલી હદે કે દર્શકોને તેમના ડાયલોગ્સ પણ મોઢે થઈ ગયા હતા. થિયેટરમાં આ એડ દર્શાવાય ત્યારે લોકો સાથે સાથે જ ડાયલોગ બોલતા હોય તેવું પણ જોવા મળતું હતું.
ભારત સરકારે ૨૦૧૨માં આરોગ્યવિષયક અને ખાસ કરીને તમાકુનો નિષેધ કરતી એડ ફરજિયાત દર્શાવવાનું નક્કી કર્યું તે પછી આ એડ કદાચ સૌથી વધારે લોકપ્રિય બની હતી. અક્ષય કુમારે અગાઉ 'પેડમેન' નામની ફિલ્મમાં કામ કર્યું હતું. તેમાં પણ તેણે મહિલાઓને માસિક ધર્મમાં સ્વચ્છતા જાળવવા બાબતે પ્રચાર કર્યો હતો. લોકો તે ફિલ્મનાં તેનાં પાત્ર સાથે આ એડને સાંકળી લીધી હતી.