શૂટિંગ શરૂ થતાં જ વિવાદોમાં ફસાઈ અક્ષય કુમારની Jolly LLB 3, આ મામલે નોંધાઈ ફરિયાદ
Image: Facebook
Jolly LLB 3: અક્ષય કુમાર અને અરશદ વારસીએ 'Jolly LLB 3' નું શૂટિંગ શરૂ કરી દીધું છે. તાજેતરમાં જ એક્ટરે પોતાના સોશિયલ મીડિયા પર એક મજેદાર વીડિયોની સાથે તેની જાહેરાત કરી. એક રિપોર્ટ અનુસાર હુમા કુરેશી પણ આ કાસ્ટમાં સામેલ થઈ ગઈ છે. પરંતુ આ બધી બાબતો વચ્ચે મહત્વનું એ છે કે શૂટિંગ શરૂ થતાં જ ફિલ્મ વિવાદોમાં ઘેરાઈ ગઈ છે. અક્ષય કુમારની જોલી એલએલબી 3 સામે ફરિયાદ નોંધાઈ છે અને શૂટિંગ રોકવાની વિનંતી કરાઈ છે.
અક્ષય કુમારની ફિલ્મ જોલી એલએલબી 3 સામે અજમેર કોર્ટમાં ફરિયાદ નોંધવામાં આવી છે. આ ફરિયાદ અનુસાર 'જોલી એલએલબી 3 ફિલ્મમાં ન્યાયિક ગરિમાને ઠેસ પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ ફરિયાદ જિલ્લા બાર એસોસિએશન અધ્યક્ષ ચંદ્રભાન તરફથી દાખલ કરવામાં આવી છે. તેની પર મંગળવારે કોર્ટમાં સુનાવણી થશે. અજમેર જિલ્લા બાર એસોસિએશને સિવિલ જજ અજમેર ઉત્તરની કોર્ટમાં જોલી એલએલબી 3 નું શૂટિંગ રોકવાની અરજી કરી છે. સાથે જ બાર એસોસિએશન અધ્યક્ષે મેકર્સ, ડાયરેક્ટર અને એક્ટર્સ સામે વકીલ અને જજની મજાક ઉડાડવા બદલ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદકર્તાએ કોર્ટને નોટિસ જારી કરવાની વિનંતી પણ કરી છે.
વકીલોએ ફરિયાદ કરી
જિલ્લા બાર એસોસિએશનના અધ્યક્ષ ચંદ્રભાન સિંહ રાઠોડે કહ્યું કે 'જોલી એલએલબીના પહેલા અને બીજા પાર્ટને જોતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. એવું લાગે છે કે ફિલ્મમેકર, ડાયરેક્ટર અને એક્ટર્સ દેશના બંધારણની ન્યાયતંત્રની ગરિમા અને પ્રતિષ્ઠાનું બિલકુલ સન્માન કરતાં નથી. અજમેરના ડીઆરએમ ઓફિસ સહિત આસપાસના ગામ અને વિસ્તારોમાં જોલી એલએલબી 3 નું શૂટિંગ ચાલી રહ્યું છે. જે હજુ ચાલશે. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન ફિલ્મના કલાકાર જજસહિત ન્યાયતંત્રની છબી, પ્રતિષ્ઠા, ગરિમા પ્રત્યે સહેજપણ ગંભીર નજર આવી રહ્યાં નથી.'
હુમા કુરેશી પણ જોલી એલએલબી 3 ની કાસ્ટમાં સામેલ
રિપોર્ટ અનુસાર હુમા કુરેશી જેણે 2017ની ફિલ્મ જોલી એલએલબી 2 માં પુષ્પા મિશ્રાનું પાત્ર નિભાવ્યું હતું. તે હવે જોલી એલએલબી 3 માટે બોર્ડ પર આવી ગઈ છે. અક્ષય કુમાર અને અરશદ વારસી પોતાના રોલ માટે તૈયાર છે. તેમણે પહેલા જ શૂટિંગ શરૂ કરી દીધું છે. તેઓ રાજસ્થાનમાં ફિલ્મનો અમુક ભાગ શૂટ કરી ચૂક્યાં છે. હુમા કુરેશી આ ફિલ્મના શૂટિંગ માટે આજે અજમેર જઈ રહી છે.
જોલી એલએલબીના બે પાર્ટ
પહેલી જોલી એલએલબી ફિલ્મ 2013માં રિલીઝ થઈ હતી. તેની સિક્વલ 2017માં થિયેટર્સમાં આવી હતી. પહેલી ફિલ્મમાં અરશદ વારસી અને સૌરભ શુક્લા લીડ રોલમાં હતા. સિક્વલમાં અક્ષય કુમારે અરશદ વારસીનું સ્થાન લીધુ. તેની સાથે હુમા કુરેશી પણ સામેલ હતી.