કાર્તિક આર્યન, રાજકુમાર રાવ સહિત બોલિવૂડ સિતારાઓએ કર્યું મતદાન: અક્ષય કુમારે કહ્યું-ખૂબ સારી છે વ્યવસ્થા
Bollywood Celebs Voting In Maharashtra Election: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીનું આજે (20મી નવેમ્બર) મતદાન થઈ રહ્યું છે. મતદારો મતદાન મથક પર પહોંચી ગયા છે અને મહારાષ્ટ્રમાં 288 બેઠકો માટે લડતા 4,140 ઉમેદવારો માટે મતદાન કરવાનું શરૂ કર્યું છે. ત્યારે મુંબઈમાં બોલિવૂડ સિતારાઓ પણ બુધવારે સવારથી જ મત આપવાનું શરૂ કરી દીધું છે. આજે સવારે અભિનેતા અક્ષય કુમાર, કાર્તિક આર્યન, સલીમ ખાન લઈને રાજકુમાર રાવે મતદાન કર્યું હતું.
બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર મત આપ્યા બાદ મીડિયા સાથે વાત કરી હતી. તેમણે કહ્યુ કે,'સારી વાત એ છે કે પોલિંગ બૂથ પર વ્યવસ્થા ઘણી સારી છે. અંદર સ્વચ્છ રાખવામાં આવે છે. હું એટલું જ કહીશ કે લોકોએ આવીને પોતાનો મત આપવો જોઈએ.' અક્ષય કુમારની સાથે બોલિવૂડ સ્ટાર રાજકુમાર રાવ પણ સવારે મતદાન કરવા પહોંચ્યા હતા. રાજકુમાર રાવે કહ્યું, 'મત આપવો એ લોકોનો અધિકાર છે. હું લોકોને આ અધિકારોનો લાભ લેવાની અપીલ કરું છું.' આ ઉપરાંત અભિનેતા કાર્તિક આર્યન મતદાન કરવા પહોંત્યા હતા.
સલીમ ખાન અને સલમા ખાને મતદાન કર્યું
દબંગ સ્ટાર સલમાન ખાનના પિતા સલીમ ખાન અને માતા સલમા ખાન પણ મતદાન કરવા પહોંચ્યા હતા. મતદાન કેન્દ્રની બહારથી સલીમ અને સલમા ખાનનો ફોટો સામે આવ્યો છે.
અભિનેત્રી ઉર્મિલા માતોંડકર આપ્યો મત
અભિનેત્રી અને રાજનેતા ઉર્મિલા માતોંડકરે પણ પોતાનો મત આપ્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર એક તસવીર શેર છે. જેમાં લખ્યું કે, 'કૃપા કરીને તમારા માટે, તમારા બાળકો માટે, તમારા સમાજ માટે અને તમારા મહારાષ્ટ્ર માટે મત આપો.'
સચિન તેંડુલકર પોતાના પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યા
બોલિવૂડ સિતારાઓ સાથે મહાન ક્રિકેટર સચિન તેંડુલકર પત્ની અંજલિ અને પુત્રી સારા તેંડુલકર સાથે મતદાન કેન્દ્ર પર પહોંચ્યો હતો. સચિન તેંડુલકરે સૌથી પહેલા મીડિયાની સામે પરિવાર સાથે ફોટો પડાવ્યો હતો.