અક્ષય કુમાર સ્ટારર ફિલ્મ 'Ram Setu'નું ટ્રેલર લોન્ચ, જુઓ Video
મુંબઈ, તા. 11 ઓક્ટોબર 2022 મંગળવાર
બોલીવુડના ખેલાડી અક્ષય કુમાર પોતાની આગામી ફિલ્મ રામ સેતુને મુદ્દે ચર્ચામાં છે. ફિલ્મનુ ટ્રેલર આજે રિલીઝ થયુ છે. જેની પર એક કલાકમાં જ લાખો વ્યૂઝ આવી ચૂક્યા છે. ચાહકો આ ફિલ્મની રાહ જોઈ રહ્યા છે. ટ્રેલર પહેલા ગયા સોમવારે અભિનેતા અક્ષય કુમારે ફિલ્મનુ ટીઝર શેર કર્યુ હતુ. હવે 11 ઓક્ટોબરે અક્ષય કુમારે પોતે સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરી ફિલ્મનુ ટ્રેલર લોન્ચ કર્યુ છે. એક્ટરનો દમદાર લુક પણ લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે.
ફિલ્મમાં એક આર્કિયોલોજિસ્ટ આર્યન કુલશ્રેષ્ઠનુ પાત્ર નિભાવી રહેલા અક્ષય કુમારના આ વીડિયોને દર્શકોનો ખૂબ પ્રેમ મળી રહ્યો છે. ફિલ્મમાં અક્ષય કુમાર સિવાય અભિનેત્રી જેકલીન ફર્નાંડિસ અને નુશરત ભરૂચા પણ મહત્વની ભૂમિકામાં છે. આ સિવાય સત્યદેવ કંચરણ અને એમ.નાસિર પણ ફિલ્મમાં મહત્વના પાત્રમાં છે. રામ સેતુના ડાયરેક્શનની કમાન અભિષેક શર્માએ સંભાળી છે. આ સાથે જ તેમણે ફિલ્મની સ્ટોરી પણ લખી છે.
ફિલ્મની કહાની
ફિલ્મમાં અક્ષય કુમાર રામ સેતુના અસ્તિત્વને બચાવતા જોવા મળશે. અક્ષય કુમાર એક એવી સફર પર છે જ્યાં અમુક પાવરફુલ બિઝનેસમેન રામ સેતુના અસ્તિત્વને ખતમ કરવાના પ્રયત્નમાં છે. ફિલ્મમાં અક્ષયનો સ્વભાવ નાસ્તિક દર્શાવાયો છે પરંતુ અચાનક કંઈક એવુ થાય છે જે આર્યન કુલશ્રેષ્ઠના વિચારને બદલી દે છે. જે બાદ તે રામ સેતુની શોધમાં એક અનોખી સફર માટે નીકળી પડે છે.