સિંઘ ઈઝ કિંગના બીજા ભાગમાંથી અક્ષય કુમારને પડતો મૂકાયો
- અક્ષયને સ્થાને રણવીરસિંહને ઓફર
- જોકે, રણવીર હા નહિ પાડે તો પછી દિલજીત દોસાંજેને મુખ્ય ભૂમિકા અપાશે
મુંબઇ : 'સિંઘ ઈઝ કિંગ'નો બીજો ભાગ બની રહ્યો છે પરંતુ તેમાંથી અક્ષય કુમારને પડતો મૂકવામાં આવ્યો છે. નિર્માતાએ હવે મુખ્ય રોલ માટે રણવીર સિંહને ઓફર કરી છે.
નિર્માતાએ જણાવ્યું હતું કે, હાલ હું 'સિંઘ ઈઝ કિંગ'ના બીજા ભાગની તૈયારી કરી રહ્યો છું. હાલ સીકવલ અને રીમેકનો સમય ચાલી રહ્યો છે. આ બીજા ભાગનું નામ 'સિંઘ ઇઝ કિંગ ટૂ' રાખવું કે પછી 'સિઘ ઇઝ કિંગ રિટર્ન્સ ' રાખવું એના વિશે હજી નિર્ણય લેવામાં આવ્યો નથી.અન્ય એક રસપ્રદ એ પણ છે કે, આ વખતે આ ફિલ્મના અભિનેતાના પાત્રનું નામ હેપ્પી સિંહ નહીં હોય, અમે એક નવો જ અવતાર તૈયાર કરી રહ્યા છીએ. નિર્માતા શૈલેન્દ્ર સિંહે વધુમાં જણાવ્યું હતું કે, ૨૦૦૮માં અક્ષય કુમારે કેટરિના સાથે હેપ્પી સિંહનો રોલ નિભાવ્યો હતો. પરંતુ આ વખતે ફિલ્મના બીજા ભાગ માટે રણવીર સિંહ અમારી પ્રથમ પસંદગી છે.અમે તેના મેનેજર સાથે વાતચીત કરી છે અને તે આ મસ્તીભર્યા રોલ માટે તૈયાર છે. જો કોઈ કારણસર રણવીર સિંહ આ રોલ ન નિભાવી શકે તો પછી અમે દિલજીત દોસાંજેને મુખ્ય ભૂમિકા માટે મનાવશું.