ઐશ્વર્યા અને અભિષેક મણિરત્નમની ફિલ્મમાં સાથે આવે તેવી સંભાવના
- છૂટાછેડાની અફવાઓ વચ્ચે બંનેના ચાહકો રાજી રાજી
- મણિરત્નમની ગુરુ ફિલ્મના સેટ પર જ અભિષેક-ઐશ્વર્યાનું ડેટિંગ શરુ થયું હતું
મુંબઇ : અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચન છૂટાછેડા લઈ રહ્યા હોવાની વાતો વચ્ચે મણિરત્નમે બંનેને સાથે લઈને એક ફિલ્મનું પ્લાનિંગ શરુ કર્યું છે.
મણિરત્નમની જ ૨૦૦૭ની ફિલ્મ 'ગુરુ'ના સેટ પર અભિષેક અને ઐશ્વર્યા વચ્ચે ડેટિંગ શરુ થયું હોવાનું કહેવાય છે. ત ેપછી મણિરત્નમે ૨૦૧૦ની 'રાવણ' ફિલ્મમાં બંનેની જોડી રિપીટ કરી હતી. ત્યારથી જ મણિરત્નમે નક્કી કર્યું હતું કે તેઓ આ કપલ સાથે ત્રીજી ફિલ્મ પણ બનાવશે. હવે આટલાં વર્ષે તેમને આ કપલને સાથે લઈ શકાય તેવી એક સ્ક્રિપ્ટ મળી ગઈ છે. અભિષેકની મણિરત્નમની સાથે આ ચોથી ફિલ્મ બનશે.
અભિષેક અગાઉ મણિરત્નમની 'યુવા' ફિલ્મમાં કામ કરી ચૂક્યો છે. બીજી તરફ મણિરત્નમની ઐશ્વર્યા સાથેની 'પોનિઇન સેલ્વન' તાજેતરમાં જ રીલીઝ થઈ હતી.
છેલ્લા કેટલાય સમયથી ઐશ્વર્યા અને અભિષેકનાં લગ્નજીવન અંગે સંતાપજનક સમાચારો જ આવી રહ્યા છે. તે વચ્ચે મણિરત્નમ આ ફિલ્મ પ્લાન કરી રહ્યાની વાતથી બંનેના ચાહકો રાજી રાજી થઈ ગયા છે.