'ડંકી' અને 'સાલાર'ની રિલીઝ પહેલા ભડક્યા સિંગલ સ્ક્રીન થિયેટર્સના માલિક, કહ્યું- 'ફિલ્મ ક્લેશનું અમને નુકસાન...'
Image Source: Wikipedia
મુંબઈ, તા. 20 ડિસેમ્બર 2023 બુધવાર
શાહરૂખ ખાનની આ વર્ષની ત્રીજી મોટી ફિલ્મ ડંકી ક્રિસમસના અવસરે રિલીઝ થઈ રહી છે પરંતુ તેની ટક્કર સાઉથ સ્ટાર પ્રભાસની ફિલ્મ સાલાર સાથે થવાની છે. ડંકી 21 ડિસેમ્બર અને સાલાર 22 ડિસેમ્બરે થિયેટર્સમાં રિલીઝ માટે તૈયાર છે. દર્શક જોર-શોરથી ફિલ્મ માટે એડવાન્સ ટિકિટ બુક કરાવી રહ્યા છે. શાહરૂખ ખાનની ફિલ્મે 7.55 કરોડની એડવાન્સ બુકિંગ કરી લીધુ છે અને સાલારે પણ એડવાન્સ બુકિંગથી 6.10 કરોડ કમાઈ લીધા છે.
આ બંને ફિલ્મોનું એડવાન્સ ટિકિટ બુકિંગ મલ્ટીપ્લેક્સમાં થઈ રહ્યુ છે. સિંગલ સ્ક્રીન થિયેટરના માલિકોને નુકસાન થઈ રહ્યુ છે. જી7 મલ્ટીપ્લેક્સ અને મરાઠા મંદિર સિનેમાના એક્ઝિક્યુટિવ મનોજ દેસાઈએ આનીપર વાંધો વ્યક્ત કર્યો છે. તેમનું કહેવુ છે કે એક સાથે બે ફિલ્મો રિલીઝ થવાથી તેમને અને તેમના જેવા અન્ય સિંગલ સ્ક્રીન થિયેટર્સના માલિકોને નુકસાન વેઠવુ પડે છે.
મનોજ દેસાઈએ કહ્યુ કે તેમને અને અન્ય સિંગલ સ્ક્રીન થિયેટર્સને એડવાન્સ બુકિંગ ખોલવાની પરવાનગી આપવામાં આવી નથી. તેમણે જણાવ્યુ કે તમામ સિંગલ સ્ક્રીન થિયેટર્સને એડવાન્સ બુકિંગને રોકીને રાખવાનું કહેવામાં આવ્યુ છે. ટૂંક સમયમાં જ ફિલ્મ રિલીઝ થઈ રહી છે અને તેમને અત્યાર સુધી એડવાન્સ બુકિંગ ખોલવાની પરમિશન મળી રહી નથી.''માત્ર મલ્ટીપ્લેક્સને પ્રાયોરિટી આપવા ઈચ્છે છે જ્યાંથી તેમને વધુ રેવન્યૂ મળે છે. આ વચ્ચે અમને તકલીફમાં મૂકી દેવાયા છે. મને પોતાની ભાષા માટે અફસોસ છે પરંતુ જ્યારે પણ કોઈ ક્લેશ થાય છે તો અમને આ રીતે છોડી દેવામાં આવે છે, અમે શું કરીએ?'' તેમણે જણાવ્યુ કે મલ્ટીપ્લેક્સે ગુરૂવારે 1000 બેઠકો વાળી ગેયટીમાં શાહરૂખ ખાનની ડંકીનું બુકિંગ શરૂ કરી દીધુ છે. જેમાં પહેલો શો સવારે 05.55 મિનિટે શરૂ થશે પરંતુ જે બાદ શુક્રવારથી એડવાન્સ બુકિંગ પર રોક લગાવી દેવાઈ અને સિંગલ સ્ક્રીન મરાઠા મંદિર માટે બુકિંગ પણ શરૂ થયુ નથી.