વર્ષો પછી પદ્મિની કોલ્હાપુરે એક ટીવી સિરિયલમાં એક્ટિંગ કરશે
- સમ્રાટ પૃથ્વીરાજ પર સિરિયલ બની રહી છે
- પદ્મિની જેવી ટેલેન્ટેડ અભિનેત્રીએ ઓટીટીના જમાનામાં વધુ કામ કરવું જોઈએ તેવો ચાહકોનો મત
મુંબઇ: ૧૯૮૦ના દાયકાની ટોચની એકટ્રેસ પદ્મિની કોલ્હાપુરે હવે વર્ષો પછી એક ટીવી સિરિયલમાં દેખાવાની છે. સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ પરની એક સિરિયલમાં તે મહત્વની ભૂમિકામાં જોવા મળશે. તેની સાથે રોનિત રોય અને ઉર્વા સવાલિયા પણ મહત્વના રોલમાં હશે.
સંખ્યાબંધ ચાહકોએ સ્ક્રીન પર પદ્મિનીના પુનરાગમનને વધાવ્યું હતું અને હાલ ઓટીટીના જમાનામાં તેણે વધુને વધુ કામ કરવું જોઈએ તેવી ઈચ્છા પ્રગટ કરી હતી. શોના નિર્માતાએ સપ્ટેમબર મહિનામાં આ શોનો પ્રોમો શેર કર્યો હતો. જેમાં પૃથ્વીરાજની ઝલક જોવા મળી હતી. જોકે, ત્યારે પદ્મિની આ શો કરી રહી હોવાનું જાહેર કરાયું ન હતું.
અત્યારની ફિલ્મી ચાહકોની પેઢી પદ્મિની કોલ્હાપુરેને હાલની સ્ટાર હિરોઈન શ્રદ્ધા કપૂરની માસી તરીકે વધારે જાણે છે. પદ્મિની પોતાના સમયની ટોચની એકટ્રેસ રહી ચૂકી છે. તેણે રાજ કપૂર સહિતના ટોચના ફિલ્મ સર્જકો અને પોતાના સમયના લગભગ બધા ટોચના હિરો સાથે કામ કર્યું હતું.