બોલિવૂડ એક્ટર મુશ્તાક ખાનનું અપહરણ થયું હતું, 12 કલાક સુધી બનાવ્યા બંધક, થયા ચોંકાવનારા ખુલાસા
Mushtaq Khan: તાજેતરમાં સુનીલ પાલનો અપહરણ ખૂબ ચર્ચામાં છે. ત્યારે અભિનેતા મુશ્તાક ખાનને પણ મેરઠમાં આયોજીત એક પુરસ્કાર સમારોહમાં બોલાવ્યા બાદ અપહરણ થવાનો મામલો સામે આવ્યો છે. તેમના બિઝનેસ પાર્ટનર શિવમ યાદવે જણાવ્યું કે, મુશ્તાકને કિડનેપ કર્યા બાદ તેમની પાસેથી ખંડણી માગી મોટી રકમ વસૂલવામાં આવી હતી.
કઇ રીતે બની ઘટના?
શિવમ યાદવના જણાવ્યા મુજબ, 20 નવેમ્બરે મુશ્તાક ખાન જ્યારે કાર્યક્રમમાં સામેલ થવા દિલ્હી એરપોર્ટ પહોંચ્યા ત્યારે તેમને એક ગાડીમાં બેસાડવામાં આવ્યા હતા. આ ગાડી તેમને મેરઠ લઇ જવાની હતી. જોકે, ગાડી મેરઠ જવાને બદલે તેમને દિલ્હીના બહારી વિસ્તારોમાં, સંભવીત રૂપે બિજનોર તરફ લઇ ગઇ હતી. આરોપીઓએ મુશ્તાક ખાનને આશરે 12 કલાક સુધી બાંધીને રાખ્યા હતા અને 1 કરોડ રૂપિયાની ખંડણી માગી હતી. પરંતુ જ્યારે તેઓ આટલી મોટી રકમ આપી શક્યા નહીં, ત્યારે તેમના અને તેમના દિકરાના બેન્ક એકાઉન્ટમાંથી 2 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાયા હતા. હવે પોલીસે આ મામલે પાંચ લોકો વિરૂદ્ધ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચોઃ ધર્મેન્દ્રને દિલ્હીની કોર્ટે પાઠવ્યું સમન્સ, 'ગરમ ધરમ ઢાબા'ના નામે છેતરપિંડીનો છે કેસ
પોલીસ તપાસ કરી રહી છે
સૂત્રોનું કહેવું છે કે મુશ્તાકને બે દિવસ સુધી બંધક રાખવામાં આવ્યો હતો. સવારના સમયે અઝાનની અવાજ સાંભળીને મુશ્તાકે અંદાજ લગાવ્યો હતો કે અહીં નજીકમાં જ મસ્જિદ હશે. જે પછી તે તક મેળવી કોઇ રીતે ત્યાંથી ભાગી ગયા હતા અને મસ્જિદમાં જઇ મદદ માગી હતી. જે પછી સ્થાનિક લોકોની મદદથી તેઓ સુરક્ષિત મુંબઇ વાપસ આવ્યા હતા. શિવમ યાદવે કહ્યું કે તેમની પાસે ફ્લાઇટની ટિકિટ, બેંક ટ્રાન્સફરના પુરાવા અને એરપોર્ટના સીસીટીવી ફૂટેજ છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
આ ઘટનાની સરખામણી કોમેડિયન સુનીલ પાલના અપહરણ સાથે કરવામાં આવી રહી છે. બંને કેસોમાં ઘણી સામ્યતાઓ છે, જેના કારણે આ ઘટનાઓ પાછળ કોઈ સંગઠિત ટોળકીનો હાથ હોવાની શંકાને જન્મ આપે છે. હાલ અભિનેતા મુશ્તાક ખાનની હાલત ઠીક છે અને ટૂંક સમયમાં તેઓ આ ઘટના અંગે મીડિયાને નિવેદન આપશે.
આ પણ વાંચોઃ સુનિલ પાલ કિડનેપિંગ કેસમાં વળાંક: આરોપીઓએ નોકરી લાગતાં જ પૈસા પરત આપવાનો કર્યો હતો વાયદો