મણિપુરમાં સાત મહિના પછી ઇન્ટરનેટ ચાલુ થયાના 24 કલાકમાં ફરી હિંસા : 13નાં મોત
- આસામ રાઇફલ્સના જવાનોને લીથૂ વિસ્તારમાંથી 13 મૃતદેહો મળ્યા
- કુકી બહુુમતીવાળા વિસ્તારની ઘટના : હજુ સુધી મૃતકોની ઓળખ થઇ શકી નથી : તેંગનોપાલમાં ગોળીબાર પછી આસામ રાઇફલ્સનું સર્ચ ઓપરેશન
મણિપુર : ચાર ડિસેમ્બરની વહેલી સવારે મણિપુરના તેંગનોપાલ જિલ્લામાં ગોળીબાર નવી ઘટના સામે આવી છે. આ દરમિયાન આસામ રાઇફલ્સે સવારે ૧૦.૩૦ વાગ્યે ગોળીબારની ગુપ્ત માહિતી મળ્યા પછી એક અભિયાન ચલાવ્યું હતું અને લીથૂ વિસ્તારમાંથી ૧૩ મૃતદેહ જપ્ત કર્યા હતાં. છેલ્લે મળેલા સમાચાર અનુસાર મૃતદેહો ઓળખ હજુ સુધી થઇ નથી. આ ઘટના કુકી બહુમતીવાળા વિસ્તારમાં બની છે.
આ અગાઉ ૩ ડિસેમ્બરે મણિપુરના તેંગનોપાલ જિલ્લાના કુકી ઝો આદિવાસી જૂથોએ ભારત સરકાર અને મેતેઇ ઉગ્રવાદી જૂથ યુએનએલએફની વચ્ચે તાજેતરમાં થયેલી શાંતિ સમજૂતીનું સ્વાગત કર્યુ હતું. જો કે તેમણે કુકી-ઝો આદિવાસી વિસ્તારમાં આત્મસમર્પણ કરનારા વિદ્રોહીઓ માટે શિબિરોની રચના કરવાનો વિરોધ કર્યો છે.ટેંગનોપાલ જિલ્લાના સંયુકત કુકી નાગરિક સમાજ સંગઠનમાં કુકી ઇમ્પુ ટેંગનોપાલ, કુકી ચીફ્સ એસોસિએશન ટેગનોપાલ, કુકી વિદ્યાર્થી સંગઠન, ટેંગનોપાલ અને હિલ ટ્રાઇબલ કાઉન્સિલ મોરેહ સામેલ છે. આ સંગઠને પ્રતિબંધિત ઉગ્રવાદીઓને એકત્રિત કરવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલાની દિશામાં શાંતિ સમજૂતીની પ્રશંસા કરી છે. તેણે જણાવ્યું છે કે અમારુ માનવું છે કે તાજેતરમાં જ થયેલી શાંતિ સમજૂતી સંકટગ્રસ્ત મણિપુરમાં શાંતિનો માર્ગ પ્રશિસ્ત કરશે.
ઉલ્લેખનીય છે કે મણિપુરમાં ઇન્ટરનેટ ચાલુ થવાના ૨૪ કલાકની અંદર જ સ્થિતિ ફરી ખરાબ થઇ ગઇ છે. ફરીથી ફાટી નીકળેલા હિંસામાં ૧૩ લોકોનાં મોત થયા છે અને તેમના મૃતદેહો આજે બપોરે મળી આવ્યા હતાં. સાત મહિના પછી મણિપુરમાં ઇન્ટરનેટ ચાલુ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે મણિપુરમાં ૩ મેથી મેતેઇ અને કુકી સમુદાયની વચ્ચે લડાઇ ચાલી રહે છે. બંને જૂથો અનામતની માગ કરી રહ્યાં છે. જેના કારણે બંને જૂથો વચ્ચે હિંસક અથડામણ થઇ રહી છે. આ અથડામણ હાઇકોર્ટના એ આદેશ પછી શરૂ થઇ જેમાં કોર્ટે મેતેઇ સમુદાયને એસટીનો દરજ્જો આપવા સરકારને આદેશ આપ્યો હતો.