કરણ જોહર બાદ ફરહાન અખ્તર પણ પ્રોડક્શન કંપની વેચી દેશે
- હોલિવૂડના યુનિવર્સલ સ્ટુડિયો સાથે વાતચીત
- હૃતિકની વોર ટૂ ફલોપ થાય તો યશરાજને પણ હિસ્સો વેચવાનો વારો આવશે
મુંબઈ: કરણ જોહરે તેની ધર્મા પ્રોડક્શન કંપનીનો હિસ્સો આદર પૂનાવાલને વેચી દીધો છે. હવે ફરહાન અખ્તર પણ તેની પ્રોડક્શન કંપની એક્સેલ એન્ટરટેઈનમેન્ટનો બહુમતી હિસ્સો વેચવાની ફિરાકમાં છે.
હોલીવૂડના યુનિવર્સલ સ્ટુડિયોએ ફરહાન અખ્તરની કંપનીમાં રોકણ કરવામાં રસ દાખવ્યો હોવાનું કહેવાય છે. જોકે, આ સોદાની વિગતો હજુ સુધી બહાર આવી નથી. જાણકાર વર્તુળો કહે છે કે હજુ સમગ્ર ચર્ચા બહુ પ્રાથમિક તબક્કામાં છે.
બોલીવૂડના ટ્રેડ વર્તુળોના જણાવ્યા અનુસાર ફરહાન અખ્તરની ફિલ્મો સમીક્ષકો દ્વારા બહુ વખાણવામાં આવે છે પરંતુ તે બોક્સ ઓફિસ પર બહુ મોટા પાયે બ્લોક બસ્ટર સાબિત થતી નથી.
છેલ્લાં ત્રણેક વર્ષથી બોલીવૂડમાં એક-બે ફિલ્મો ચાલી જાય પણ બાકીની ફિલ્મો એવરેજ ધંધો જ કરી શકે તેવો ટ્રેન્ડ બની ગયો છે.
કોઈ મોટો કલાકાર બોક્સ ઓફિસ પર સફળતાની ગેરન્ટી આપી શકતો નથી આ સંજોગોમાં ફરહાન અખ્તર પોતાનો નાણાંકીય બોજ હળવો કરવા માગતો હોય તેવું બની શકે છે.
સૂત્રો તો એ હદ સુધી કહે છે કે યશરાજ બેનરની હૃતિક રોશન સાથેની આગામી ફિલ્મ 'વોર ટૂ' મેગા હિટ નહિ થાય તો આદિત્ય ચોપરા પણ પોતાનો હિસ્સો વેચવાનું વિચારી શકે છે. પાછલાં કેટલાંક વર્ષોમાં શાહરુખની 'પઠાણ'ને બાદ કરતાં યશરાજની મોટાભાગની ફિલ્મો બોક્સ ઓફિસ પર પિટાઈ ગઈ છે.