ઈન્ડિયન ટૂ નિષ્ફળ જતાં હવે ત્રીજો ભાગ સીધો ઓટીટી પર આવશે
મુંબઈ : કમલ હાસનની 'ઈન્ડિયન ટૂ' ટિકિટબારી પર ફલોપ જતાં હવે ત્રીજો ભાગ સીધો ઓટીટી પર જ રીલિઝ કરવાનું નક્કી કરવામાં આવ્યું હોવાનું મનાય છે.
કમલ હાસન માત્ર સાઉથમાં જ નહીં પરંતુ ભારતભરમાં લોકપ્રિય કલાકાર મનાય છે. આમ છતાં આ ફિલ્મ સીધી ઓટીટી પર રીલિઝ કરવાનો નિર્ણય મજબૂરીથી લેવાયો છે.
આ ફિલ્મનો પહેલો ભાગ સુપરહિટ થયો હતો. પરંતુ, બીજા ભાગમાં ફિલ્મ બહુ રેઢિયાળ અને નબળી બની હોવાના રિવ્યૂ આવ્યા હતા. દર્શકોએ પણ આ ફિલ્મ નકારી કાઢી હતી. કમલ હાસન અને દિગ્દર્શક શંકર વચ્ચે સર્જાયેલા ગંભીર મતભેદોની અસર આ ફિલ્મ પર પણ પડી હતી.
બીજા અને ત્રીજા ભાગનું શૂટિંગ લગભગ સમાંતર જ કરાયું હતું. આથી નિર્માતા ત્રીજા ભાગ માટે પૂરતો ખર્ચો કરી ચૂક્યા છે. હવે બીજા ભાગની ખોટ અને ત્રીજા ભાગનો ખર્ચો એ બંને રિકવર કરવાની મથામણ તેઓ કરી રહ્યા છે. આથી તેમણે થિયેટરમાં રીલિઝ નો ખર્ચો ટાળી સીધાં કોઈ ઓટીટી પ્લેટફોર્મનો સંપર્ક કર્યો હોવાનું માનવામાં આવે છે.