Get The App

તલાકના 8 વર્ષ બાદ પાકિસ્તાની એક્ટ્રેસ માહિરા ખાને બીજા નિકાહ કર્યા

Updated: Oct 2nd, 2023


Google NewsGoogle News

Image Source: Twitter

- ફિલ્મ રઈસમાં શાહરૂખ ખાન સાથે તેની જોડીને લોકોએ ખૂબ જ પસંદ કરી હતી

નવી દિલ્હી, તા. 02 ઓક્ટોબર 2023, સોમવાર

શાહરૂખ ખાનની ફિલ્મ 'રઈસ'થી બોલીવુડમાં એન્ટ્રી કરનારી પાકિસ્તાની એક્ટ્રેસ માહિરા ખાને હવે બીજા નિકાહ કરી લીધા છે. એક્ટ્રેસે બિઝનેસમેન સલીમ કરીમ સાથે નિકાહ કર્યા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે એક્ટ્રેસે પાકિસ્તાનના પંજાબના એક હિલ સ્ટેશનમાં નિકાહ કર્યા છે. તેની મેનેજર અનુશાય તલ્હા ખાને ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર નિકાહના ઘણા વીડિયો શેર કર્યા છે. આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

વીડિયોમાં માહિરા લગ્નના લહેંગામાં ખૂબ જ સુંદર નજર આવી રહી છે. માહિરાએ હળવા વાદળી રંગનો આઉટફીટ પહેર્યો છે જ્યારે માહિરાના શોહર કરીમે માહિરા સાથે ટ્વિનિંગ કરતા વાદળી પાઘડી બાંધી છે અને બ્લેક શેરવાની પહેરી છે. બંને એકસાથે ખૂબ જ સુંદર લાગી રહ્યા છે.


માહિરાને જોઈને કરીમ ઈમોશનલ થયો

વાયરલ વીડિયોમાં જોઈ શકાય કે, માહિરા કરીમની તરફ  જતા જ કરીમ ઈમોશનલ થઈ જાય છે. આ ક્યૂટ કપલે સોશિયલ મીડિયા પર બધાના દિલ જીતી લીધા છે. પોતાના નિકાહ પર બંને ખૂબ જ સુંદર લાગી રહ્યા છે. હવે ચાહકો વીડિયો પર કોમેન્ટ કરીને બંનેને અભિનંદન પાઠવી રહ્યા છે. વર્ષ 2007માં માહિરા ખાને પોતાના બાળપણના મિત્ર અલી અસ્કરી સાથે નિકાહ કર્યા હતા. જોકે, 2015માં બંને અલગ થઈ ગયા હતા. તલાકના 8 વર્ષ બાદ એક્ટ્રેસે બીજા નિકાહ કર્યા છે.

માહિરા ખાને વર્ષ 2011માં ફિલ્મ 'બોલ'થી એક્ટિંગની દુનિયામાં એન્ટ્રી કરી હતી. ત્યારબાદ તેણે માત્ર ફિલ્મોમાં જ નહીં પરંતુ ઘણા ટીવી ડ્રામા પણ કર્યા હતા અને ખૂબ જ લોકપ્રિય થઈ હતી. આજે તે પાકિસ્તાનની ટોચની અભિનેત્રી છે. ફિલ્મ રઈસમાં શાહરૂખ ખાન સાથે તેની જોડીને લોકોએ ખૂબ જ પસંદ કરી હતી. તેણે શાહરૂખની પત્નીની ભૂમિકા ભજવી હતી.


Google NewsGoogle News