લગ્નના કારણે અદિતી હીરામંડી સીરીઝની ઈવેન્ટમાં ગેરહાજર
- હીરા મંડી આગામી મે માસમાં રીલિઝ થશે
- ઈવેન્ટના હોસ્ટ દ્વારા અદિતીના લગ્નની જાહેરાત, એક હજાર ડ્રોન લોન્ચ કરી રીલીઝ ડેટ જાહેર કરાઈ
મુંબઇ : સંજય લીલા ભણશાળીની 'હીરા મંડીઃ ધી ડાયમંડ બાઝાર' વેબ સીરીઝની ડેટ એનાઉન્સમેન્ટના ઈવેન્ટમાં અદિતી રાવ હૈદરી ગેરહાજર રહી હતી. ઈવેન્ટમાં હોસ્ટ દ્વારા જાહેરાત કરાઈ હતી કે અદિતી રાવ હૈદરી લગ્નના કારણે અહી આવી શકી નથી. ઉલ્લેખનીય છે કે અદિતીએ બોયફ્રેન્ડ સિદ્ધાર્થ સાથે તેલંગણાના એક મંદિરમાં લગ્ન કરી લીધાં હોવાનું કહેવાય છે. જોકે, મોડે સુધી અદિતી તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરાઈ નથી. મુંબઈના મહાલક્ષ્મી રેસકોર્સ ખાતે આ ઈવેન્ટ યોજાઈ હતી. તેમાં મનીષા કોઈરાલા, સોનાક્ષી સિંહા, રિચા ચઢ્ઢા, સંજિદા શેખ સહિતના કલાકારો હાજર હતા પરંતુ અદિતી રાવની ગેરહાજરીની સૌએ નોંધ લીધી હતી. રીલિઝ ડેટ એનાઉન્સ કરવા માટે એક હજાર ડ્રોન લોન્ચ કરાયાં હતાં. તેના લાઈટિંગ દ્વારા તારીખ જાહેર કરાઈ હતી. આ સીરીઝ આગામી મે માસમાં રીલિઝ થવાની છે.
પાકિસ્તાનના લાહોરમાં હીરા મંડી નામનો વિસ્તાર છે. ત્યાંની ગાયિકાઓ નાચગાનના વ્યવસાય દ્વારા પોતાનું ગુજરાન ચલાવતી હતી.
તે વખતે આ હીરા મંડી બહુ મશહૂર હતી અને દૂર દૂરથી શોખીનો અહીં નાચગાન માણવા આવતા હતા. બાદમાં વર્ષો જતાં અહીંની કેટલીક ગાયિકાઓ પાકિસ્તાની ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ પ્રવેશી હતી.