'આદિપુરુષ'નો નવો વિવાદઃ ફિલ્મનું પોસ્ટર પણ કોઈનું તફડાવેલું છે
- ઓરિજિનલ સર્જકે પોતાનું પોસ્ટર રજૂ કરી પુરાવા આપ્યા
- વીએફએક્સ અને એનિમેશનમાં તો કેવી રીતે જૂની ફિલ્મોનું કામ બેઠું તફડાવ્યું છે તેના રીલ્સ બની ગયાં છે
મુંબઈ : 'આદિપુરુષ' પર સંકટોની વણઝાર ખત્મ થવાનું નામ લેતી નથી. રાવણના અલ્લાઉદ્દિન ખિલજી જેવા લૂકથી માંડીને વીએફએક્સમાં ચોરીના વિવાદો વચ્ચે હવે એક મેકર્સ દ્વારા પોતાનું પોસ્ટર બેઠું તફડાવી લેવાયું હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા છે.
'આદિપુરુષ'નાં પોસ્ટરમાં પ્રભાસને તીર-કામઠાં સાથે દર્શાવાયો છે. એક નેટ યૂઝર દ્વારા એક એનિમેશન સ્ટુડિયોને ટેગ કરીને ધ્યાન દોરવામાં આવ્યું હતું ક 'આદિપુરુષ'નું આ પોસ્ટર ે આ સ્ટુડિયો દ્વારા અગાઉ રિલીઝ કરાયેલું ભગવાન શિવનાં આર્ટવર્કની બેઠી નકલ છે. એ પછી આ સ્ટુડિયોએ પણ પોતાનું ઓરિજિનલ વર્ક સોશિયલ મીડિયા પર શેર કર્યું હતું.
આ બંને વર્કને જોઈને નેટિઝન્સ દ્વારા તરત જ ચુકાદો આપી દેવામાં આવ્યો હતો કે 'આદિપુરુષ'નું પોસ્ટર આ એનિમેશન સ્ટુડિયોનાં પોસ્ટરની બેઠેબેઠી કોપી છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. લોકોએ તે પછી તરત જ 'આદિપુરુષ'નાં સર્જકોને ટ્રોલ કરતાં લખવા માંડયું હતું કે કરોડોના ખર્ચા કરીેને ફિલ્મ બનાવો છો તો કમસેકમ એકાદું પોસ્ટર તો ઓરિજિનલ બનાવવું હતું. આમાં પણ કોપી-પેસ્ટ જ કર્યું છે. 'આદિપુરુષ'ના ટીઝરમાં રજૂ થયેલાં વીએફએક્સ અને એનિમેશન અગાઉ રજૂ થઈ ચૂકેલી હોલીવૂડ ફિલ્મોની ફ્રેમ બાય ફ્રેમ ઉઠાંતરી હોવાનું દર્શાવતાં કેટલાંય રીલ્સ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ચૂક્યાં છે.