સુશાંતના ઘરમાં અદા શર્માને પોઝિટિવ એનર્જીનો અનુભવ
મુંબઈ: 'ધી કેરળ સ્ટોરીઝ' સહિતની ફિલ્મોની હિરોઈન અદા શર્મા મુંબઈમાં બાન્દ્રામાં સુશાંત સિંહ રાજપૂતના ફલેટમાં રહેવા માંડી છે. ૨૦૨૦માં સુશાંતના મોત બાદ આ ફલેટ ખાલી જ પડયો હતો. અદા શર્મા પરિવાર સાથે આ ફલેટમાં શિફ્ટ થઈ છે. તેના જણાવ્યા અનુસાર તેને આ ફલેટમાં પોઝિટિવ એનર્જીનો અનુભવ થઈ રહ્યો છે. સુશાંત સિંહ રાજપૂતનો મૃતદેહ આ ફલેટમાંથી મળી આવ્યો હતો. તેનાં મોતના સંજોગો અંગે અનેક વિવાદ થયા હતા. એક માન્યતા અનુસાર સુશાંતે કદાચ આત્મહત્યા કરી હતી. બાન્દ્રા ખાતેનો આ ફલેટ ત્યારથી બંધ જ પડયો હતો. ફલેટમાં કોઈ રહેવા આવવા તૈયાર ન હતું. લોકો આ ફલેટને અપશુકનિયાળ માનવા લાગ્યા હતા.
જોકે, આખરે અદા શર્માએ આ ફલેટ ભાડે રાખવાની હિંમત બતાવી હતી.
તેણે ફલેટ પાંચ વર્ષ માટે ભાડે રાખ્યો છે. તે અહીં તેના પરિવાર સાથે રહેવા આવી છે.
અદાના જણાવ્યા અનુસાર અગાઉ તે પાલી હિલમાં રહેતી હતી તે ઘર ચોતરફ વૃક્ષોથી ઘેરાયેલું હતું અને પોતે પક્ષીઓ તથા ખિસકોલીઓને ચણ આપી શકતી હતી. તે પોતાના માટે એવાં જ નવાં ઘરની શોધમા ંહતી. સુશાંતનું ઘર બિલકૂલ એવું જ છે અને તેને અહીં પોઝિટિવ એનર્જીનો અનુભવ થઈ રહ્યો છે.