બોલિવૂડમાં જ્ઞાતિવાદનો ગંભીર આરોપ! આ અભિનેત્રીએ કહ્યું- સાથે બેસવા-જમવા પર પણ રોક
Konkona Sen On Casteism In Bollywood: બોલિવૂડમાં મહિલાઓ સાથે થતી ગેરવર્તણૂકને લઈને ઘણી અભિનેત્રીઓએ ઘણા ખુલાસા કર્યા છે. એવામાં હવે કોંકણા સેન શર્માએ બોલિવૂડ ફિલ્મના સેટ પર કામ કરવા અંગે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. શું કોઈ કલ્પના કરી શકે છે કે બોલિવૂડમાં પણ જાતિ અને ધર્મના આધારે ભેદભાવ થાય છે? પણ કોંકણા સેનની વાત તમને ચોંકાવી દેશે.
અભિનેત્રીએ ખુલાસો કર્યો છે કે આ ઇન્ડસ્ટ્રી ખૂબ જ પિતૃસત્તાત્મક છે. તેમજ અહીં જાતિના આધારે ભેદભાવ પણ કરવામાં આવે છે. કોંકણાએ કહ્યું કે અહીં લોકોની જાતિ અને વર્ગના આધારે તેમને ક્યાં બેસવાની છૂટ અને કયો ખોરાક ખાવાની છૂટ છે તે નક્કી કરવામાં આવે છે.
બોલિવૂડમાં પણ બન્યો હેમા કમિટીનો રિપોર્ટ
કોંકણા સેને એક યુટ્યુબ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં ઘણા ખુલાસા કર્યા છે. મલયાલમ ઇન્ડસ્ટ્રીમાં બનેલી હેમા કમિટીના રિપોર્ટ પર અભિનેત્રીએ પોતાની પ્રતિક્રિયા આપી છે. કોંકણા એ વાત પર સહમત થઈ કે બોલિવૂડમાં પણ આવી કમિટી બનાવવી જોઈએ. બોલિવૂડમાં ઘણી અભિનેત્રીઓ અને કલાકારોએ શોષણનો સામનો કરવો પડ્યો છે.
નાના કલાકારો સાથે થાય છે ભેદભાવ
કોંકણાએ કહ્યું કે, 'ફિલ્મ સેટ્સ અને ફિલ્મ ઇન્ડસ્ટ્રી માત્ર મહિલાઓના આધારે જ નહીં પરંતુ જાતિ, વર્ગ અને લિંગના આધારે પણ ઘણો ભેદભાવ કરે છે. જે ખૂબ જ ખરાબ છે. અહીં ઘણો ભેદભાવ છે. સ્ટાર્સ પણ અન્ય નાના કલાકારોને સાથે બેસીને જમવા નથી દેતા. કોને ક્યાં બેસવાની છૂટ છે અને કોને નહીં? કોને શું ખાવાની છૂટ છે? કોનું બાથરૂમ ક્યાં છે? આ બધું જ જાતિના આધારે નક્કી કરવામાં આવે છે.'
અભિનેત્રીને ફર્નિચર સમજવામાં આવે છે
કોંકણા સેને એ પણ કહ્યું કે, 'બોલિવૂડમાં મહિલા કલાકારોને ઘરના ફર્નિચરની જેમ ગણવામાં આવે છે. તેઓ માત્ર દેખાડા માટે છે. સિનિયર કલાકારોને જ ફિલ્મના સેટ પર સન્માન મળે છે. બાકીના લોકોને ‘ફર્નિચર’ જેવા માનવામાં આવે છે. નાની નાની બાબતો પર અપમાનનો સામનો કરવો પડે છે. આવા વાતાવરણમાં કામ કરવું ખૂબ મુશ્કેલ છે.'