બાંગ્લાદેશમાં 'ઈમરજન્સી' પર પ્રતિબંધ, ભારત સાથે વણસેલા સંબંધોનો ભોગ કંગનાની ફિલ્મ બની
'Emergency' Movie banned in Bangladesh: કોન્ટ્રોવર્સી ક્વિન કંગના રણૌત જાણ્યે-અજાણ્યે એક પછી એક વિવાદોમાં સપડાતી જ રહે છે. ક્યારેક એના બેજવાબદાર નિવેદનોને લીધે તો ક્યારેક એણે બનાવેલી ફિલ્મ 'ઈમરજન્સી'ને કારણે. કંગનાની બહુચર્ચિત ફિલ્મ ‘ઈમરજન્સી’ બાબતે તાજા સમાચાર આવ્યા છે કે, બાંગ્લાદેશે એ ફિલ્મ પર પ્રતિબંધ મૂકી દીધો છે.
આ કારણસર બાંગ્લાદેશમાં પ્રતિબંધ લગાવાયો છે
ફિલ્મ ‘ઈમરજન્સી’ ઈતિહાસના એક કાળા અને વિવાદાસ્પદ પ્રકરણ પર આધારિત છે. સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે, ‘બાંગ્લાદેશમાં ‘ઈમરજન્સી’ને પ્રતિબંધિત કરવા પાછળનું મુખ્ય કારણ તાજેતરમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધોમાં આવેલી ખટાશ છે.’
ઈતિહાસના કાળા પ્રકરણ પર આધારિત છે ફિલ્મ
ફિલ્મ 'ઈમરજન્સી'ની વાર્તા વર્ષ 1975માં ભારતમાં તત્કાલીન વડાંપ્રધાન ઈન્દિરા ગાંધી દ્વારા લાદવામાં આવેલી ઈમરજન્સી (કટોકટી) પર આધારિત છે. ફિલ્મમાં ઈન્દિરા ગાંધીના કાર્યકાળમાં બનેલી ઘટનાઓ, ભારતીય સેનાની ભૂમિકા, તથા 1971ના બાંગ્લાદેશ સ્વતંત્રતા યુદ્ધમાં શેખ મુજીબુર રહેમાનને ભારત દ્વારા આપવામાં આવેલ સમર્થનને બતાવવામાં આવ્યું છે. મુજીબુર રહેમાનને બાંગ્લાદેશના પિતા કહેવામાં આવે છે. તેઓ ઈન્દિરા ગાંધીને દેવી દુર્ગા કહીને બોલાવતા. ફિલ્મમાં બાંગ્લાદેશી આતંકવાદીઓના હાથે શેખ મુજીબુર રહેમાનની હત્યા પણ બતાવવામાં આવી છે. ચર્ચા એવી પણ ચાલી છે કે આ બધી બાબતોના કારણે બાંગ્લાદેશમાં 'ઈમરજન્સી' પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
ફિલ્મની સફળતા કંગના માટે પ્રાણવાયુ બનશે
'ઈમરજન્સી'માં કંગના રણૌત ઉપરાંત અનુપમ ખેર, મહિમા ચૌધરી, શ્રેયસ તલપડે, મિલિંદ સોમન અને સતીશ કૌશિક જેવા કલાકારો જોવા મળશે. ફિલ્મનું નિર્દેશન પણ કંગના રણૌતે જ કર્યું છે. કંગનાની છેલ્લી ઘણી ફિલ્મો નિષ્ફળ ગઈ હોવાથી તેને એક હિટ ફિલ્મની તાતી જરૂર છે. ફિલ્મ ચાલી ગઈ તો એ કંગના માટે પ્રાણવાયુ સમાન બની જશે.
આ પણ વાંચો: સાહિલ ખાનની પત્નીએ ઈસ્લામ અંગીકાર કર્યો, લગ્નના એક વર્ષ બાદ લીધો નિર્ણય
કથળેલા સંબંધોનો ભોગ આ ફિલ્મો પણ બની
કંગના રણૌત સ્ટારર ફિલ્મ 'ઈમરજન્સી' 17 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. તાજેતરના સમયમાં બાંગ્લાદેશમાં પ્રતિબંધિત થયેલી એ એકમાત્ર ભારતીય ફિલ્મ નથી. કંગનાની 'ઈમરજન્સી' અગાઉ 'પુષ્પા 2' અને 'ભૂલ ભુલૈયા 3'ની રિલીઝ પણ બાંગ્લાદેશમાં રોકી દેવામાં આવી હતી.