એક્ટરના શેફનો રોજનો ચાર્જ બે લાખ રુપિયાઃ ખર્ચો નિર્માતા માથે
- સ્ટાર્સનાં નખરાં સામે અનુરાગ કશ્યપનો બળાપો
- ચકલીના ચણ જેટલી ડિશ બનાવવા માટે પણ પૈસા પડાવાય છેઃ પાંચ વેનિટી વેનની માંગ
મુંબઇ : બોલીવૂડમાં હાલ સ્ટાર્સ દ્વારા લેવાતી અંધાધૂંધ ફી તથા અન્ય ખર્ચાઓ સામે નિર્માતાઓએ હિલચાલ શરુ કરી છે. આ મુદ્દે કેટલાંક નિર્માતા સંગઠનોની બેઠક પણ યોજાઈ ચૂકી છે. આ વચ્ચે અનુરાગ કશ્યપે સ્ટાર્સ કેવા કેવા અંધાધૂંધ ખર્ચા નિર્માતા પર લાદે છે તેનો દાખલો આપતાં કહ્યું હતું કે એક કલાકાર તેના ખાસ શેફને સેટ પર લઈ આવતો હતો અને તેણે તેની રોજના બે લાખ રુપિયા ફી વસૂલી હતી.
અનુરાગના જણાવ્યા અનુસાર સ્ટારના ખાસ શેફે બનાવેલી વાનગીનું પ્રમાણ જોઈ તેનું દિમાગ ચકરાવે ચઢી ગયું હતું. આ વાનગીનું પ્રમાણ ચકલીનાં ચણ જેટલું પણ માંડ હતું.
અનુરાગે આ વિશે પૂછ્યું તો તેને કહેવામાં આવ્યું હતું કે આ એક્ટર પોતાનાં આરોગ્ય વિશે બહુ જ સભાન છે અને તેથી તે બહુ સ્પેશ્યલ ડિશીઝ અને તે પણ તદ્દન નહિવત્ત પ્રમાણમાં જ આરોગે છે. અનુરાગના જણાવ્યા અનુસાર વાસ્તવમાં આ સ્ટારને એવી કોઈ હેલ્થની સમસ્યા હતી જ નહીં.
કેટલાક સ્ટાર તો જિમ માટે, ફૂડ બનાવવા, ફૂડ આરોગવા, ન્હાવા માટે તથા સીનની પ્રેક્ટિસ કરવા માટે અલગ અલગ એમ પાંચ પાંચ વેનિટી વેનની માગણી કરે છે.
અનુરાગના મતે નિર્માતાઓએ સ્ટાર્સના આવા ખોટા ખર્ચા વેઠી લેવાની કોઈ જરુર નથી. મેક અપ આર્ટિસ્ટ ને ૭૫ હજાર રુપિયા સુધીની રકમ ચૂકવાય પણ ફિલ્મ માટે બહુ અનિવાર્ય હોય તેવા ટેકનિશિયન્સને પણ પેમેન્ટ માટે ટટળાવાય તે ખોટું છે.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસે પહેલાં ફિલ્મ નિર્માત્રી ફરહા ખાને પણ એવો બળાવો વ્યક્ત કર્યો હતો કે જેમની ફિલ્મો ટિકિટબારી પર ચાલતી નથી તેવા સ્ટાર્સ પણ પોતાના માટે પાંચ પાંચ વેનિટી વેનની માગણી કરે છે.