હું ખરેખર થાકી ગયો છું...: વિક્રાંત મેસીએ 'રિટાયરમેન્ટ'ની પોસ્ટ મુદ્દે આપ્યો જવાબ
Image Source: Twitter
Vikrant Massey On His Retirement: ટીવી દુનિયાની લઈને ફિલ્મી દુનિયામાં પણ પોતાની આગવી ઓળખ ઉભી કરનાર વિક્રાંત મેસી ગત મહિનાથી પોતાની 'રિટાયરમેન્ટ પોસ્ટને લઈને ચર્ચામાં છે. ગત મહિને 15મી નવેમ્બરે તેમની ફિલ્મ 'ધ સાબરમતી રિપોર્ટ' રિલીઝ થઈ હતી, જેને દર્શકોનો ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. 2002માં ગોધરામાં સાબરમતી એક્સપ્રેસ ટ્રેનમાં લાગેલી આગની ઘટના પર આધારિત આ ફિલ્મ પીએમ મોદીએ પોતાની કેબિનેટ સાથે બેસીને જોઈ હતી અને ફિલ્મની ખૂબ પ્રશંસા કરી હતી.
આ વચ્ચે વિક્રાંતે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરીને બધાને ચોંકાવી દીધા હતા, જેમાં તેણે 2025માં એક્ટિંગમાંથી બ્રેક લેવાની વાત કરી હતી. જેને તેના ચાહકોએ એક્ટિંગમાંથી 'રિટાયરમેન્ટ' સમજી લીધી હતી. હવે તાજેતરમાં જ એક્ટરે આ ગેરસમજ પર વાત કરતા પોતાની સ્પષ્ટતા આપી અને જણાવ્યું કે, હું થોડા સમય માટે પોતાના કામમાંથી બ્રેક લઈ રહ્યો છું, રિટાયરમેન્ટ નથી લઈ રહ્યો. હું બસ થોડો સમય પરિવાર સાથે વિતાવવા માગુ છું, ત્યારબાદ હવે તેના ચાહકોએ રાહતનો શ્વાસ લીધો છે.
ઈન્ડસ્ટ્રીમાં જે ઓળખ મળી તેના માટે આભારી છું
તાજેતરના એક ઈન્ટરવ્યૂમાં વિક્રાંતે જણાવ્યું કે, 'મેં વિચાર્યું ન હતું કે મારા જીવનમાં આ બધુ થશે. 12મી ફેલ કરી લીધી, અને તેમાં મારા કામની ખૂબ પ્રશંસા કરવામાં આવી. મારું સપનું હતું કે, લાઈફમાં ફિલ્મફેર મળે અને તે પણ મળી ગયો. મને જે ઓળખ મળી તેના માટે હું ખૂબ જ આભારી છું. ખાસ કરીને એક મિડલક્લાસ બેકગ્રાઉન્ડથી આવનારા વ્યક્તિ તરીકે. મધ્યમવર્ગીય પરિવારની વ્યક્તિ માટે વડા પ્રધાનને મળવું, તેમણે અને સમગ્ર મંત્રીમંડળે ફિલ્મ જોવી એ મારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, તે પહેલેથી જ એક મોટી ઉપલબ્ધિ છે.'
મેં વધુ પડતું અંગ્રેજી લખી નાખ્યું
વિક્રાંતે આગળ પોતના કરિયર પર પડેલા ઈમોશનલ અને ફીઝિકલ પ્રભાવ વિશે ખુલીને વાત કરી. તેણે સ્વીકાર્યું કે, 'હું ખરેખર શારીરિક રીતે થાકી ગયો છું.' તેણે એ પણ ઉલ્લેખ કર્યો કે, અંગ્રેજીમાં લખેલી તેની સોશિયલ મીડિયા પોસ્ટમાં થોડું કન્ફ્યૂઝન ઊભું થઈ ગયું હતું. તેમણે કહ્યું, મને લાગ્યું કે આ જ યોગ્ય સમય છે જ્યારે માનનીય વડાપ્રધાન એક એવી ફિલ્મ જોવા જઈ રહ્યા છે જે મારા હૃદયની ખૂબ નજીક છે, અને મેં વિચાર્યું કે અહીંથી જ વસ્તુઓ સારી થઈ શકે છે. પરંતુ જ્યારે વધારે ક્રિએટિવિટી નથી બચી તો તમારે રીકેલિબ્રેટ કરવાની જરૂર છે, મેં પણ તે જ કરવાનો પ્રયાસ કર્યો, સમસ્યા એ થઈ ગઈ કે મેં વધુ પડતું અંગ્રેજી લખી નાખ્યું. હું તે વ્યક્ત કરવા માગતો હતો, પરંતુ મેં અંગ્રેજીમાં ઘણું લખ્યું અને દરેક લોકો તેને સમજી ન શક્યા.