ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટારે મહત્ત્વના પદેથી રાજીનામું આપ્યું, ગંભીર આરોપના પગલે આખી પેનલ બરખાસ્ત
Image Twitter |
Malayalam Film Industry : મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મહિલાઓની વર્કિંગ કંડીશન પર હેમા કમિટીના (Hema Committee) સ્ફોટક રિપોર્ટ સામે આવ્યા બાદ ખળભળાટ મચી ગયો છે. એક પછી એક રાજીનામા પડવા લાગ્યા છે. અભિનેતા મોહનલાલને મલયાલમ મૂવી આર્ટિસ્ટ એસોસિએશનના પ્રમુખ પદેથી હટાવી દેવામાં આવ્યા છે. આ સાથે જ સમગ્ર પેનલને બર્ખાસ્ત કરી દેવામાં આવી છે. રવિવારે મલયાલમ મૂવી આર્ટિસ્ટ એસોસિએશન (એએમએમએ) ના જનરલ સેક્રેટરી સિદ્દીક અને કેરળ રાજ્ય ચાલચિત્ર એકેડમીના પ્રમુખ અને ફિલ્મ આઇકોન રંજીથે તેમના હોદ્દા પરથી રાજીનામું આપીલ દીધુ હતું.
ટોયલેટમાંથી બહાર આવી રહી હતી ત્યારે જયસૂર્યાએ...
એક અભિનેત્રીએ આરોપ લગાવ્યો હતો કે, 2008 થી 2013 દરમિયાન તેને મુકેશ, લોકપ્રિય અભિનેતા મણિયન પિલ્લઈ રાજુ, જયસૂર્યા અને AMMAના ભૂતપૂર્વ જનરલ સેક્રેટરી એડવેલા બાબુ સાથે ખરાબ અનુભવોનો સામનો કરવો પડ્યો હતો, ત્યારબાદ તેણે ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડી દીધી હતી. અભિનેત્રીએ દાવો કર્યો હતો કે, 2008માં જ્યારે તે ટોયલેટમાંથી બહાર આવી રહી હતી ત્યારે જયસૂર્યાએ તેને ગળે લગાવી હતી. અભિનેત્રીએ કહ્યું હતું કે, "આવું કરવાથી હું ચોંકી ગઈ અને મુકેશે પણ મારા રૂમમાં ઘૂસીને મારી સાથે ગેરવર્તણૂક કરી. રાજુ અને બાબુએ મારી સાથે એવા શબ્દો બોલ્યા હતા જેમાં સેક્સ્યુઅલ ઓવરટોન હતા."
આ લોકોના કારણે મારે ઈન્ડસ્ટ્રી છોડવી પડીઃ અભિનેત્રીએ દાવો
અભિનેત્રીએ તેના ફેસબુક હેન્ડલ પર પોસ્ટમાં લખ્યું હતું કે, " વર્ષ 2013માં એક પ્રોજેક્ટ પર કામ કરતી વખતે આ વ્યક્તિઓ દ્વારા મારું શારીરિક અને મૌખિક શોષણ કરવામાં આવ્યું હતું. મેં સહકાર આપવા અને કામ કરવાનું ચાલુ રાખવાનો પ્રયાસ કર્યો, પરંતુ દુર્વ્યવહાર અસહ્ય વધી ગયો હતો. આખરે મારે મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને ચેન્નાઈ છોડવા મજબૂર થવું પડ્યુ હતુ. મેં એક અખબારમાં દુરુપયોગ સામે મારો અવાજ ઉઠાવ્યો હતો. હવે મેં જે આઘાત અને પીડા સહન કરી છે તેના માટે ન્યાય અને જવાબદારીની માંગણી કરી રહી છું. હું તેમના જધન્ય કૃત્યો સામે પગલાં લેવા તમારી મદદ માટે વિનંતી કરું છું."
સાત અધિકારીઓની સ્પેશિયલ ટીમ રચવામાં આવી
સતત વધી રહેલા દબાણને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી પિનરાઈ વિજયને રવિવારે વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવવામાં આવી હતી. અને સાત અધિકારીઓની સ્પેશિયલ ટીમની રચના કરવામાં આવી હતી. જે મહિલા કલાકારો પર થઈ રહેલા અત્યાચારની તપાસ કરશે. મીડિયા સાથે વાત કરતા સોનિયા મલ્હારે કહ્યું હતું કે, પીડિતોએ વારંવાર તપાસ એજન્સીઓ સમક્ષ પોતાની આપવિતી કહેવી પડે છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે. મને લાગે છે કે વારંવાર જે થી રહ્યું છે, તે સમજાવવું ખૂબ મુશ્કેલ છે. દરરોજ નવી સમિતિઓની રચના કરવામાં આવી રહી છે."