બોલિવૂડમાં આટલા બધા છૂટાછેડા કેમ થાય છે? મનોજ બાજપેયીએ જણાવ્યું કારણ
બોલિવૂડની દુનિયા ગ્લેમરથી ભરપૂર છે એટલું જ નહિ બોલિવૂડ ગ્લેમર જ માત્ર છે. એન્ટરટેઈનમેન્ટના આ સેગમેન્ટનું પોતાનું અલગ જ વશીકરણ છે પરંતુ અંદર ખાને બોલિવૂડમાં ભારે ખાનાખરાબી છે. નેપોટીઝમથી લઈને પક્ષપાત, અંગત અદાવત-લાગવગથી લઈને અનેક ખરાબ મુદ્દાઓ અંદરખાને દબાયેલા છે. કેટલાક લોકો ઈન્ડસ્ટ્રીના વખાણ કરતા જોવા મળે છે તો કેટલાક લોકો ઈન્ડસ્ટ્રી અને તેની સંસ્કૃતિને અનેક વખત આડાહાથે લેતા હોય છે. ક્રિકેટ બાદ હવે તાજેતરમાં જ બોલિવૂડમાં ફરી છૂટાછેડા કે બ્રેકઅપ કે રિલેશનશીપ તૂટવાનો દોર ફરી શરૂ થયો છે. આ અંગે બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં 30 વર્ષથી કામ કરી રહેલા મનોજ બાજપેયીએ ઈન્ડસ્ટ્રી ખુલીને વાતો કરી છે. તેમણે બોલિવૂડમાં આટલા બધા લગ્ન શા માટે તૂટે છે તેનું પણ કારણ જાહેર મંચ પર મુક્યું છે.
દિગ્ગજ અભિનેતાએ તાજેતરના એક ઇન્ટરવ્યુમાં કહ્યું - જો તમે તીસ હજારી કોર્ટમાં જશો અને છૂટાછેડાના દર વિશે પૂછશો તો તમને ખ્યાલ આવશે કે આજે આપણે ક્યાં પહોંચ્યા છીએ. દરરોજ કોઈને કોઈ સંબંધ તૂટે છે, લગ્ન તૂટે છે. આપણા સમાજમાં હવે ન્યુક્લિયર ફેમિલી ટ્રેન્ડ શરૂ થયો છે. આ પદ્ધતિના ફાયદા અને ગેરફાયદા પણ છે. આજે આપણે કોર્ટમાં પણ એ જ પરિણામ જોઈ રહ્યાં છીએ. સવાલ એ છે કે આ ઈન્ડસ્ટ્રી આપણી આસપાસના સમાજનો એક ભાગ નથી ?
આ સમાજમાંથી નીકળેલા લોકો જ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો એક ભાગ છે તેથી જ્યારે સમાજમાં આ પ્રકારનું પરિવર્તન આવી રહ્યું છે ત્યારે સ્વાભાવિક છે કે આ પરિવર્તન બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં પણ જોવા મળે. અગાઉ ઈન્ડસ્ટ્રીમાં આટલા છૂટાછેડા નહોતા થતા. આજકાલ સમાજ અને ઈન્ડસ્ટ્રી ખુલ્લા મનના થઈ ગયા છે અને સામે પક્ષે ધીરજ-સમજણ પણ ઘટી ગઈ છે. ખુલ્લા મનના હોવું સારી વાત છે પરંતુ સામે પક્ષે સ્વતંત્રતા અને છૂટના નામે અન્ય પાટે ચાલ્યા જવું ગેરવ્યાજબી છે.
બાજપેયીની વાત કરીએ તો તાજેતરમાં તેમની ફિલ્મ ભૈયા જી રીલિઝ થઈ હતી પરંતુ આ ફિલ્મ કોઈ ખાસ કારનામો ન કરી શકી. ફિલ્મની કમાણી પણ હાલ સારી નથી. આ મૂવીએ રીલિઝીંગના આઠમા દિવસે 80 લાખ રૂપિયાની કમાણી કરી હતી. 8 દિવસમાં ફિલ્મનું કુલ કલેક્શન માત્ર 8.3 કરોડ રૂપિયા જ થઈ શક્યું છે. લગભગ 20 કરોડ રૂપિયાના બજેટમાં બનેલી આ ફિલ્મ 8 દિવસમાં અડધી પણ કમાણી કરી શકી નથી. હવે જોવાનું એ રહે છે કે આવનારા દિવસોમાં ફિલ્મ કેવી કમાણી કરે છે અને અન્ય પ્લેટફોર્મ પર મૂવી આવે તો તેને કેવો આવકારો મળે છે.