ચાહકોનો આભાર, પીડિત પરિવારને સાંત્વના...: જેલમાંથી છૂટ્યા બાદ અલ્લુ અર્જુને જુઓ શું કહ્યું
Allu Arjun Released From Jail: એક રાત જેલમાં વિતાવ્યા બાદ આખરે તેલુગુ સુપરસ્ટાર અભિનેતા અલ્લુ અર્જુનને આજે (14મી ડિસેમ્બર) વહેલી સવારે જેલમાંથી છોડવામાં આવ્યો છે. જેલમાંથી બહાર આવ્યા બાદ ઘરે પહોંચતા પરિવારના સદસ્યોએ ગેટ પર જ અલ્લુ અર્જુનનું સ્વાગત કર્યું.
મીડિયા સાથેની વાતચીતમાં અલ્લુ અર્જુને ચાહકોનો આભાર માનતા કહ્યું હતું કે 'તમારા બધાના પ્રેમ અને સહયોગ માટે આભાર. મારા દરેક ચાહકનો આભાર પ્રગટ કરું છું. ચિંતાની કોઈ વાત નથી, હું એકદમ ઠીક છું. અમે કાયદામાં માનનારા નાગરિક છીએ અને કાર્યવાહીમાં સહયોગ આપીશું. ઘટના ખૂબ જ દુ:ખદ હતી, હું ફરીવાર પીડિત પરિવારને સાંત્વના પાઠવું છું.'
અલ્લુ અર્જુનના પિતા અલ્લુ અરવિંદ તથા સસરા કંચરલા ચંદ્રશેખર પણ વહેલી સવારે હૈદરાબાદની ચંચલગુડા સેન્ટ્રલ જેલ પહોંચી ગયા હતા. નોંધનીય છે કે 13મી ડિસેમ્બરે હૈદરાબાદ પોલીસે સંધ્યા થિયેટર નાસભાગ કેસમાં અલ્લુ અર્જુનની ધરપકડ કરી હતી. જો કે, બાદ હાઇકોર્ટે જામીન આપ્યા હતા.
એક રાત જેલમાં કેમ વિતાવવી પડી?
અલ્લુ અર્જુનને ગઇકાલે સાંજે જ તેલંગાણા હાઇકોર્ટે જામીન આપી દીધા હતા. જોકે જામીનનો આદેશ ઓનલાઈન અપલોડ થઈ શક્યો નહીં જેના કારણે અભિનેતાએ એક રાત જેલમાં જ વિતાવવી પડી. અલ્લુ અર્જુનના વકીલોનું માનવું છે કે અલ્લુ અર્જુનને પરેશાન કરવા માટે જાણી જોઈને આવું કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: એક રાત જેલમાં વિતાવ્યા બાદ જામીન પર બહાર આવ્યો અલ્લુ અર્જુન, ચાહકો ખુશખુશાલ
આટલું જ નહીં અલ્લુ અર્જુનના ચાહકો પણ આ કારણે ગુસ્સે ભરાયા હતા અને ગઈ કાલે ચંચલગુડા સેન્ટ્રલ જેલ બહાર દેખાવો શરૂ થઈ ગયા હતા.
શું હતો ગઇકાલનો સમગ્ર ઘટનાક્રમ
અલ્લુ અર્જુનની તેના ઘરેથી જ પોલીસે ધરપકડ કરી હતી. બાદમાં સાંજે ચાર વાગ્યે લોકલ કોર્ટ સામે હાજર કરવામાં આવ્યો, કોર્ટે અલ્લુ અર્જુનને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો હતો. જોકે અભિનેતાએ હાઇકોર્ટમાં અપીલ કરતાં. સાંજે પાંચ વાગ્યે તેલંગાણા હાઇકોર્ટે જામીન મંજૂર કર્યા હતા.
કેમ થઈ ધરપકડ?
નોંધનીય છે કે ચોથી ડિસેમ્બરે હૈદરાબાદના સનધ્યા થિયેટરમાં મોટી સંખ્યામાં લોકો અલ્લુ અર્જુનની પુષ્પા 2 મૂવી જોવા ભેગા થયા હતા. એવામાં અલ્લુ અર્જુન પણ ચાહકોને મળવા ત્યાં પહોંચી ગયો. એવામાં નાસભાગ મચી જતાં એક મહિલાનું નિધન થયું હતું.