અલ્લુ અર્જુન સામે કોંગ્રેસ નેતાએ નોંધાવી ફરિયાદ, 'પુષ્પા-2'ના આ સીન સામે વાંધો
Allu Arjun, Pushpa-2: એક્ટર અલ્લુ અર્જુનની મુશ્કેલીઓનો અંત આવવાનું નામ નથી લઇ રહી. પહેલા પુષ્પા 2 ના પ્રીમિયર વખતે સંધ્યા થિયેટરમાં થયેલા અકસ્માતને ટેન્શન હજુ પૂરું નથી થયું ત્યાં હવે ફિલ્મના એક સીનના કારણે હોબાળો મચી રહ્યો છે. હવે કોંગ્રેસ MLCના નેતા મલ્લન્નાએ ફિલ્મના એક સીનને લઈને ફરિયાદ દાખલ કરી છે. તેમનો આરોપ છે કે ફિલ્મમાં પોલીસ ફોર્સનું અપમાન કરવામાં આવ્યું છે.
ફિલ્મમાં ક્યા સીન પર થયો વિવાદ?
ફિલ્મનું પાત્ર પુષ્પા સ્વિમિંગ પૂલમાં પેશાબ કરતો બતાવવામાં આવ્યો છે, જ્યારે તે જ પૂલમાં એક પોલીસ અધિકારી પણ હાજર છે. આ સીન પર કોંગ્રેસ MLC મલ્લન્નાએ અભિનેતા અલ્લુ અર્જુન, ફિલ્મ 'પુષ્પા 2'ના નિર્દેશક સુકુમાર અને તેના નિર્માતાઓ વિરુદ્ધ મેડીપલ્લી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
કોંગ્રેસ MLCએ કાર્યવાહીની માંગ કરી
મલ્લન્નાએ આ સીનને પોલીસ અધિકારીઓની ગરિમાને ઠેસ પહોંચાડનાર અને અપમાનજનક ગણાવ્યો છે. આ મામલો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર આ અંગેની ચર્ચાએ જોર પકડ્યું છે, જ્યાં કેટલાક લોકો મલ્લન્નાના આરોપોનું સમર્થન કરી રહ્યા છે તો કેટલાક તેને સિનેમાની અભિવ્યક્તિની સ્વતંત્રતા વિરુદ્ધ ગણાવી રહ્યા છે.
આ પણ વાંચો: હૈદરાબાદ પોલીસે અલ્લુ અર્જુનને ફટકારી વધુ એક નોટિસ, આજે 11 વાગ્યે પૂછપરછ
મહિલાના મોતના મામલામાં આજે થઇ શકે છે પૂછપરછ
4 ડિસેમ્બરે હૈદરાબાદમાં ફિલ્મના પ્રીમિયર દરમિયાન મૂવી હોલમાં થયેલી નાસભાગમાં એક મહિલાનું મોત થયું હતું અને ગંભીર રીતે ઘાયલ થયેલો તેનો આઠ વર્ષનો પુત્ર હજુ પણ કોમામાં છે. જેના કારણે અલ્લુ અર્જુનની ધરપકડ કરવામાં આવી હતી. લગભગ 18 કલાક સુધી ચાલેલી કાર્યવાહી બાદ અલ્લુ અર્જુનને વચગાળાના જામીન મળી ગયા હતા. જો કે, જેલ પ્રશાસનને જામીનના કાગળો ન મળવાના કારણે અલ્લુ અર્જુને એક રાત જેલમાં વિતાવવી પડી હતી. એવામાં હૈદરાબાદ પોલીસે સંધ્યા થિયેટર નાસભાગ મામલે એક્ટર અલ્લુ અર્જુનને વધુ એક નોટિસ ફટકારી છે. ઘટનાને લઈને આજે સવારે 11 વાગ્યે અલ્લુ અર્જુનને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો છે.