આમિરે કથિત ગર્લફ્રેન્ડ ફાતિમા સના શેખને પોતાની ફિલ્મમાં સાઈન કરી
- બંનેનાં લગ્નની અફવા અવારનવાર ઊડતી રહે છે
- આમિરની પ્રોડક્શન કંપનીની કોમેડી ફિલ્મમાં ફાતિમા સના શેખ ભૂમિકા ભજવશે
મુંબઈ : આમિર ખાને પોતાનાં પ્રોડક્શનની કોમેડી ફિલ્મમાં કથિત ગર્લફ્રેન્ડ ફાતિમા સના શેખને સાઈન કરતાં અનેક ચર્ચાઓ જાગી છે.
આમિર ખાન અને તેનાથી ૨૭ વર્ષ નાની ફાતિમા સના શેખ વચ્ચે ડેટિંગ ચાલતું હોવાની અફવાઓ બોલીવૂડમાં ચાલતી રહે છે. બંનેએ લગ્ન કરી લીધાં છે તેવી અફવા પણ એકથી વધુ વખત ચગી ચુકી છે. જોકે, આ રિલેશનશિપને ક્યારેય કોઈએ સમર્થન આપ્યું નથી.
દરમિયાન, હાલમાં પ્રોડયૂસર તરીકે એકદમ એક્ટિવ બની ગયેલા આમિર ખાને એક કોમેડી ફિલ્મ બનાવવાની જાહેરાત કરી છે. અદ્વૈત ચંદન આ ફિલ્મનું દિગ્દર્શન કરશે. આ ફિલ્મમાં ફાતિમા સના શેખને મુખ્ય ભૂમિકા મળી છે. તેની સાથે આમિર પણ કદાચ સ્ક્રીન શેર કરી શકે છે. આ ફિલ્મનું ટાઈટલ હજુ નક્કી થયું નથી. અદ્વૈત ચંદન દ્વારા હજુ સ્ક્રિપ્ટ ફાઈનલ કરવામાં આવી રહી છે. ફિલ્મનું શૂટિંગ આવતાં વર્ષે શરુ થાય તેવી સંભાવના છે.
આમિર અને ફાતિમાએ 'દંગલ' ફિલ્મમાં ઓન સ્ક્રીન પિતા-પુત્રીની ભૂમિકા ભજવી હતી. તે પછી તેમની વચ્ચે અફેરની અફવાઓ સતત ચગતી રહી છે.
આમિરે પોતાની બીજી પત્ની કિરણ રાવ સાથે છૂટાછેડા લીધા ત્યારે પણ એવી વાતો ચગી હતી કે આમિર ફાતિમા સાથે લગ્ન કરી રહ્યો છે એટલે તેણે કિરણ સાથે છૂટાછેડા લીધા છે.