મોટી એક્શન ફિલ્મ શોધી રહેલો આમિર ગજની-ટુની ફિરાકમાં
- અલ્લુ અરવિંદને પ્રોજેક્ટ હાથ ધરવા કહ્યું
મુંબઇ : આમિર ખાન હાલ પોતાની સફળ ફિલ્મ 'ગજની'ની સીકવલની તૈયારી કરી રહ્યો છે. આમિર લાંબા સમયથી કોઈ મોટી એક્શન ફિલ્મની શોધમાં છે અને તેને લાગે છે કે 'ગજની ટૂ' તેના એક્શન અવતારના પુનરાગમ માટે પરફેક્ટ ફિલ્મ બની શકે છે.
આમિરની 'ગજની' સુપરહિટ થઈ હતી. ભારતમાં ૧૦૦ કરોડની કમાણીના આંકને વટાવનારી તે પહેલી ફિલ્મ હતી. હજુ પણ બોક્સ ઓફિસના અનેક રેકોર્ડ આ ફિલ્મના નામે છે.
શાહરુખ ખાનને તાજેતરમાં એક્શન રોલમાં સફળતા મળ્યા પછી આમિર લાંબા સમયથી કોઈ મોટા એક્શન રોલની તલાશમાં છે.
જોકે, તેની વય તથા ફિટનેસને જોતાં કોઈ મોટા નિર્માતા તેને એક્શન રોલ આપવા ઈચ્છૂક નથી. આથી, આમિરે અલ્લુ અરવિંદનો સંપર્ક કરી 'ગજની ટૂ'ની તૈયારી આરંભી છે. હાલ તે જુદા જુદા સ્ટોરી આઇડિયા તપાસી રહ્યો છે અને સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યો છે.
જોકે, આમિર અત્યારે અન્ય પ્રોજેક્ટસમાં પણ વ્યસ્ત છે. 'સિતારે ઝમન પર', 'ચાર દિન કી ચાંદની' સહિતની ફિલ્મોને જોતાં 'ગજની ટૂ' સાકાર થવામાં હજુ ઘણો સમય લાગશે તેમ મનાય છે.