દંગલ ગર્લ સુહાની ભટનાગરના પરિવારને મળવા પહોંચ્યા આમિર ખાન
નવી દિલ્હી, તા. 23 ફેબ્રુઆરી 2024, શુક્રવાર
દંગલમાં બાળપણની બબીતા ફોગટનું પાત્ર ભજવનાર સુહાનીનું 19 વર્ષની વયે ડર્માટોમાયોસિટિસના કારણે અવસાન થયું હતું. દંગલ ફિલ્મના એક્ટર આમિર ખાને અભિનેત્રી સુહાની ભટનાગરના નિધનના થોડા દિવસો બાદ ગુરુવારે સાંજે ફરીદાબાદમાં તેના પરિવારને મળીને શોક વ્યક્ત કર્યો હતો. સહાનુભૂતિ વ્યક્ત કરતાં આમિરે સુહાનીની બીમારી વિશે પૂછ્યું અને પરિવારને આ દુઃખદ સમયમાંથી બહાર નીકળવા માટે હિંમત આપી હતી.
સુહાનીના નિધન પછી, આમિર ખાનના પ્રોડક્શન હાઉસે એક નિવેદન બહાર પાડીને દુઃખ વ્યક્ત કરતા કહ્યું હતુ કે, "અમારી સુહાનીના નિધન વિશે સાંભળીને અમને ખૂબ જ દુઃખ થયું છે. તેની માતા પૂજા જી અને સમગ્ર પરિવાર પ્રત્યે અમારી હૃદયપૂર્વક સંવેદના. એક પ્રતિભાશાળી યુવતી સુહાની વગર દંગલ અધુરુ હોત.
નિવેદનમાં આગળ કહેવામાં આવ્યું છે કે, "સુહાની, તું હંમેશા અમારા દિલમાં સ્ટાર બનીને રહીશ. તને શાંતિ મળે."
પરિવારજનોએ જણાવ્યું કે, સુહાની ડર્માટોમાયોસાઇટિસ નામની બીમારીથી પીડિત હતી. આ બીમારીને કારણે સુહાનીની રોગપ્રતિકારક શક્તિ નબળી પડી ગઈ હતી.
કેટલાક સમય પહેલા તેનું એક્સિડન્ટ થયું હતું અને તે સતત દવાઓ લઈ રહી હતી. જેમાંથી કેટલીક દવાઓ કદાચ રિએક્ટ કરી ગઈ અને તેના શરીરમાં પાણી ભરાઈ ગયું. જેને લઈને તેની સારવાર ચાલી રહી હતી. તેને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી અને તેના કારણે જ તેને બચાવી શકાઇ ન હતી.
આમિર ખાનના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે પ્રોડક્શનમાં નસીબ અજમાવી રહ્યો છે. તેની ફિલ્મ 'સિતારે જમીન પર' છે, જે 'તારે જમીન પર'જેવી સ્ટોરી પરથી પ્રેરિત હશે. આ સિવાય તેમના પ્રોડક્શન હાઉસમાં બનેલી 'લાપતા લેડીઝ' પણ રિલીઝ થવા જઈ રહી છે.
આ પણ વાંચો: મોત બાદ વાયરલ થઈ રહી છે 'દંગલ ગર્લ'ની અંતિમ પોસ્ટ, શું આ શબ્દમાં છુપાયો હતો મોતનો ઈશારો?