આમિર ખાન યુ ટયૂબર બન્યો, પોતાની યુ ટયૂબ ચેનલ શરુ કરી
- ફિલ્મોની પડદા પાછળની વાતો કહેશે
- લગાન વિશેની જાણીઅજાણી વાતો, લાપત્તા લેડીઝનાં નિષ્ફળ ઓડિશન શેર કર્યાં
મુંબઈ : એક્ટર આમિર ખાન હવે યુ ટયૂબર બની ગયો છે. તેણે 'આમિર ખાન ટોકીઝ' નામની યુ ટયૂબ ચેનલ શરુ કરી છે. તેણે શરુઆતના કેટલાક વીડિયોમાં 'લગાન'નાં નિર્માણ વિશેની વાતો ઉપરાંત 'લાપત્તા લેડીઝ'માં તેના નિષ્ફળ ઓડિશનની વાતો શેર કરી છે.
આ ચેનલના ઈન્ટ્રોડક્શન સ્ટુડિયોમાં આમિરે જણાવ્યુ ંહતું કે ફિલ્મોની નિર્માણ પ્રક્રિયા પાછળ પણ કેટલીક સ્ટોરીઝ હોય છે. આ સ્ટોરીઝ પોતે કોઈ મધ્યસ્થી વિના સીધા જ દર્શકો સાથે શેર કરવા માગે છે. આથી તેણે આ યુ ટયૂબ ચેનલ ચાલુ કરી છે. તે આ ચેનલ દ્વારા પોતાની ફિલ્મ કારકિર્દીની વાતો જુદા જુદા એન્ગલથી રજૂ કરશે.
આ ચેનલ પરથી આમિરની સુપરહિટ ફિલ્મ 'લગાન'નાં ભુજમાં થયેલાં શૂટિંગ વિશેની કેટલીય જાણી અજાણી વાતો શેર કરવામાં આવી છે. આ ફિલ્મમાં સેટ પર જ ડાયલોગ્સનું રેકોર્ડિંગ થયું હતું, આમિરે ક્રાઉડ કન્ટ્રોલ કરવામાં કેવી મહેનત કરી હતી, ચલે ચલો ગીતનાં લિરિક્સમાં જાવેદ અખ્તરે કેવા ફેરફારો સૂચવ્યા હતા, રિના દત્તાએ ફિલ્મના એક્ઝિક્યુટિવ પ્રોડયૂસર તરીકે કામ કર્યું હતું વગેરે કેટલીય વાતો આ વીડિયોમાં સમાવી લેવાઈ છે.
એ જ રીતે આ ચેનલ પરથી આમિરે 'લાપત્તા લેડીઝ' માં ઈન્સ્પેક્ટરના રોલ માટે આપેલાં ઓડિશનનો વીડિયો પણ રીલિઝ કરાયો છે. ઉલ્લેખનીય છે કે બાદમાં આ રોલ રવિ કિશનને ફાળે ગયો હતો અને રવિ કિશનને આ રોલ માટે કેટલાય એવોર્ડ પણ મળ્યા છે.