આમિર ફરી એક્ટિંગમાં સક્રિય, આવતાં વર્ષથી શૂટિંગ શરૂ
- લાલસિંહ ચઢ્ઢાના આઘાતની કળ વળી
- પોતે જ પ્રોડયૂસ કરશે, 30 વર્ષ પછી રાજકુમાર સંતોષી સાથે કોલબરેશન
મુંબઇ : 'લાલસિંહ ચઢ્ઢા'ના બોક્સ ઓફિસ પર કરુણ રકાસ પછી હતાશાની ગર્તામાં ધકેલાઈ ગયેલા આમિર ખાનને આખરે કળ વળી છે અને તેણે એક્ટિંગ ક્ષેત્રે પુનરાગમનનો નિર્ણય કર્યો છે. જોકે, હજુ તેને કોઈ બહારનાં પ્રોડક્શન હાઉસે સાઈન કર્યો નથી પરંતુ તે પોતે જ પોતાના નિર્માણ હેઠળની ફિલ્મમાં કામ કરી રહ્યો છે. આ ફિલ્મનું દિગ્દર્શન રાજકુમાર સંતોષી કરવાના છે.
આમિર અને સલમાનની 'અંદાઝ અપના અપના'ના દિગ્દર્શક રાજકુમાર સંતોષી હતા. તેના ૩૦ વર્ષ પછી આમિર રાજકુમાર સંતોષીના દિગ્દર્શન હેઠળ કામ કરશે. હાલ આ ફિલ્મ પ્રી-પ્રોડકશન સ્ટેજમાં છે એ જાન્યુઆરીમાં શૂટિંગ શરૂ કરવામાં આવશે.
ફિલ્મ આવતાં વર્ષે નાતાલમાં રીલીઝ કરવાનું પ્લાનિંગ છે.
'લાલસિંહ ચઢ્ઢા'ની નિષ્ફળતા પછી આમિર અત્યાર સુધી માત્ર પ્રોડયૂસર તરીકે જ સક્રિય રહ્યો છ. તે ફરહાન અખ્તરની ભૂમિકા ધરાવતી 'ચેમ્પિયન' સહિતની ફિલ્મો પ્રોડયૂસ કરી રહ્યો છે.
શાહરુખ ખાનની 'પઠાણ' હિટ થયા પછી તેણે એક્શન ફિલ્મ મેળવવા માટે બહુ ફાંપા માર્યા હતા પરંતુ બોલીવૂડના કોઈ નિર્માતાએ તેને દાદ આપી ન હતી. આખરે, તે પોતાના પ્રોડક્શન હેઠળની ફિલ્મમાં જ કામ કરી રહ્યો છે.