ફિલ્મ નિર્માતા મુશ્તાક નડિયાદવાલાના બાળકોની પાકિસ્તાનમાં ભાળ કાઢવા કેન્દ્રને હાઇકોર્ટનો આદેશ
મુંબઈ, તા. 13 સપ્ટેમ્બર 2022,મંગળવાર
બોમ્બે હાઈકોર્ટ દ્વારા કેન્દ્ર સરકારને ફિલ્મ નિર્માતા મુશ્તાક નડિયાદવાલાનાં સંતાનોની ભાળ મેળવવા માટે આદેશ કરાયો છે. નડિયાદવાલાની અરજી અનુસાર તેમના બે સંતાનોને પાકિસ્તાનમાં બંધક બનાવી ને રાખવામાં આવ્યાં છે.
નડિયાદવાલાની પત્ની 9 વર્ષ નાં પુત્ર અને 6 વર્ષની પુત્રીને લઇ બે વર્ષ પહેલાં પાકિસ્તાન જતી રહી છે અને હવે તેઓ પોતાના સંતાનો સાથે સંપર્ક કરી શકતા નથી. પોતાના સંતાનોને બંધક બનાવી દેવાયાનો આરોપ તેમણે કર્યો હતો.
ન્યાય મૂર્તિ રેવતી મોહિત ડેરે અને ન્યાય મૂર્તિ મોહિત ચૌહાણની ખંડપીઠ દ્વારા સોમવારે આ કેસની સુનાવણી દરમિયાન જણાવાયું હતું કે એક પિતાને પોતાના સંતાનોની ખબર કાઢવા માટે આમ દર દર ભટકવું પડે એ યોગ્ય નથી.
હાઈકોર્ટે કહ્યું હતું કે જો નડિયાદવાલાની પત્નીને પણ ત્યાં ધાકધમકીથી રાખવામાં આવી હોય તો તેને પણ પછી લાવવાના પ્રયાસ કેન્દ્ર સરકારે કરવા જોઈએ.
હાઈકોર્ટે ગયા મહિને પણ આ કેસમાં વિદેશ મંત્રાલયનો જવાબ માગ્યો હતો અને પાસપોર્ટ વિભાગનાં એક અધિકારીને નડિયાદવાલા સાથે મુલાકાત કરવા જણાવ્યું હતું .