અભિનેતા અજય દેવગણ માટે ચાહકે ભીખ માગવી શરૂ કરી
- નાશિકના રસ્તા પર ભીખ માગો આંદોલન
- અજય દેવગણ દ્વારા ઓનલાઈન ગેમિંગને એન્ડોર્સ કરાતાં અનોખી રીતે વિરોધ
મુંબઇ : મહારાષ્ટ્રના નાસિકના એક ચાહકે અજય દેવગણ માટે રસ્તા પર ફરીને ભીખ માગવા માંડી છે. તેના મતે અજય દેવગણ પૈસા ભૂખ્યો છે અને તેને વધારે પૈસા જોઈતા હોય તો પોતે આ રીતે ભીખ માગીને એકઠા કરી આપશે.
વાસ્તવમાં અજય દેવગણ દ્વારા ઓનલાઈન ગેમિંગને એન્ડોર્સ કરાતાં તેનો આ ચાહક વિરોધ કરી રહ્યો છે. તેના મતે ઓનલાઈન ગેમિંગ બહુ જોખમી બાબત છે અને તે યુવકોને ખોટા રવાડે ચઢાવે છે. અજય જેવા રોલમોડલે આ પ્રકારની જાહેરખબરો કેવળ પૈસા માટે ન કરવી જોઈએ.
આ ચાહક સ્કૂટર પર ફરીને ભીખ માગતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ પણ થયો છે.
ઉલ્લેખનીય છે કે અજય દેવગણ પાનમસાલાની એડ માટે પણ ભારે ટીકાનો ભોગ બન્યો છે. જોકે, અજય દેવગણે આવી ટીકાઓને ફગાવતાં કહ્યું છે કે જે ચીજ દેશમાં કાયદેસર રીતે વેચાય છે તેની હું જાહેરખબર કરું છું તેમાં કાંઈ ખોટું નથી.