ભારતના પહેલા ચૂંટણી કમિશનરની બાયોપિક બનશે, ‘રોકેટ બોય્ઝ’ના સર્જકોની જાહેરાત
Biopic of first Chief Election Commissioner of India : વિક્રમ સારાભાઈ તથા ડો. હોમી ભાભાએ સ્વતંત્રતા પછીના તરતના સમયગાળામાં ભારતમાં અવકાશ તથા અણુ સંશોધન ક્ષેત્રે કરેલાં પ્રદાન પર બહુ વખણાયેલી સિરીઝ 'રોકેટ બોયઝ' બનાવનારા સર્જક સિદ્ધાર્થ રોય કપૂરે હવે ભારતના પહેલા ચૂંટણી કમિશનર સુકુમાર સેનની બાયોપિક બનાવવાની જાહેરાત કરી છે.
જો કે, આ બાયોપિક એક ફિલ્મ હશે કે પછી વેબ સિરીઝ તે હજુ જાહેર કરાયું નથી. આ પ્રોજેક્ટની કાસ્ટની પણ જાહેરાત કરાઈ નથી. સિદ્ધાર્થ રોય કપૂર નાના ભાઈ અને એક્ટર આદિત્ય રોય કપૂરને આ પ્રોજેક્ટમાં તક આપે છે કે કેમ તે અંગે અટકળો સેવાય છે.
ભારતમાં 1951માં પહેલી લોકસભા ચૂંટણી થઈ હતી. સુકુમાર સેને દેશના પહેલા મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે આ પડકારરુપ કામગીરી પાર પાડી હતી. તેમણે સ્થાપેલા માપદંડોના આધારે આજ દિન સુધી ભારતની સામાન્ય અને રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓ યોજાતી આવી છે.
એ વખતે ભારતને સ્વતંત્ર રીતે આટલા મોટા પાયા પર ચૂંટણી યોજવાનો કોઈ અનુભવ ન હતો કે ચૂંટણી તંત્ર પાસે કોઈ તાલીમબદ્ધ સ્ટાફ પણ ન હતો. એ સંજોગોમાં સુકુમાર સેેને ભારે કુનેહથી આ મુશ્કેલ કામગીરી હાથ ધરી હતી. ભારતની પહેલી ચૂંટણીના મતદાન મથકો, મતદાર યાદીની તૈયારીઓ, અંતરિયાળ વિસ્તારોમાં ચૂંટણીની તૈયારી, મતદારોના પ્રતિભાવ વગેરે વિશેની અનેક રોમાંચક બાબતો આ બાયોપિકમાં આવરી લેવામાં આવશે.