સલમાન ખાન પાસે 5 કરોડની ખંડણી માગનારો પકડાયો, તમે પણ એનો ધંધો જાણી ચોંકી જશો
Image: Facebook
Threat Message to Salman Khan: બોલિવૂડ એક્ટર સલમાન ખાનને ધમકીભર્યા મેસેજ મોકલવાના મામલે તપાસ કરી રહેલી મુંબઈ પોલીસે જમશેદપુરથી એક વ્યક્તિની ધરપકડ કરી છે. આરોપીની ઓળખ જમશેદપુરના શાકભાજીના વેપારી શેખ હુસૈન શેખ મોહસીન તરીકે થઈ છે. ગયા અઠવાડિયે મુંબઈ ટ્રાફિક પોલીસની વ્હોટ્સએપ હેલ્પલાઈન પર અભિનેતા પાસે 5 કરોડ રૂપિયાની ખંડણી માગનાર એક ધમકીભર્યો મેસેજ મળ્યો હતો. જે બાદ પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી હતી. આરોપીની ધરપકડ બાદ હવે વર્લી પોલીસ તેને ટ્રાન્ઝિટ રિમાન્ડ માટે ઝારખંડની એક કોર્ટમાં રજૂ કરશે. રિમાન્ડ મળ્યા બાદ તેને મુંબઈ લાવવામાં આવશે.
ધમકી બાદ મોકલ્યો 'માફી' વાળો મેસેજ
પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે 'પોલીસે ઝારખંડમાં તે નંબરની જાણકારી મેળવી અને આરોપીને પકડવા માટે ટીમ મોકલી. એક અન્ય ટીમ ગુવાહાટી પણ મોકલવામાં આવી. પોલીસે મેસેજ મોકલનારની જાણકારી મેળવવા માટે પોતાની તપાસ શરૂ કરી પરંતુ મુંબઈ ટ્રાફિક પોલીસને તે જ નંબરથી એક માફી વાળો મેસેજ મળ્યો જેમાં લખ્યું હતું કે 'મારાથી ભૂલથી આવું થયું છે.'
મુંબઈ પોલીસે કહ્યું, 'જમશેદપુરમાં સ્થાનિક પોલીસની મદદથી તપાસ કરવામાં આવી અને ધમકીવાળા મેસેજ મોકલનાર વ્યક્તિની ધરપકડ કરી લેવાઈ. હવે તેને મુંબઈ લાવવામાં આવશે.'
આ પણ વાંચો: 'મેં કાળા હરણને નહોતું માર્યું', જાનથી મારી નાખવાની ધમકીઓ વચ્ચે સલમાન ખાનનો જૂનો વીડિયો વાયરલ
સલમાન ખાનને સતત મળી રહી છે ધમકીઓ
ઉલ્લેખનીય છે કે અભિનેતા સલમાન ખાનને પહેલા લોરેન્સ બિશ્નોઈ ગેંગથી હત્યાની ધમકીઓ મળી હતી. ગેંગના શંકાસ્પદ સભ્યોએ આ વર્ષે એપ્રિલમાં સલમાન ખાનના બાંદ્રા સ્થિત ઘરની બહાર ફાયરિંગ કર્યું હતું. થોડા મહિના પહેલા નવી મુંબઈ પોલીસે બિશ્નોઈ ગેંગ દ્વારા સલમાન ખાનની હત્યાનું કાવતરાનો પર્દાફાશ કર્યો હતો, જે બાદ એક્ટરની સુરક્ષા વધારી દેવાઈ હતી.