અમદાવાદની અભિનેત્રીને આંધ્ર પ્રદેશમાં ખોટા કેસમાં ફસાવાઈ હોવાનો આરોપ, ત્રણ IPS સસ્પેન્ડ
Kadambari Jethwani Case: બોલિવૂડ અભિનેત્રી કાદમ્બરી જેઠવાનીનું શોષણ કરવા બદલ ત્રણ IPS અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કાદંબરીનો આરોપ છે કે અધિકારીઓએ તેને ડરાવી અને ખોટા કેસમાં 40 દિવસ સુધી કસ્ટડીમાં રાખી હતી. જે બાદ આંધ્ર પ્રદેશ સરકારે આ મામલે મોટી કાર્યવાહી કરી અને ડીજી રેન્કના અધિકારી સહિત ત્રણ આઈપીએસ અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા હતા.
કાદમ્બરી જેઠવાનીએ પોતાની સાથે થયેલા શોષણની ફરિયાદ નોંધાવી
કાદમ્બરી જેઠવાનીએ ઓગસ્ટમાં NTR પોલીસ કમિશનર એસ.વી.ને પત્ર લખીને ઔપચારિક ફરિયાદ નોંધાવી હતી. જેમાં અભિનેત્રીએ જણાવ્યું હતું કે વાયએસઆર કોંગ્રેસ પાર્ટીના નેતા અને ફિલ્મ નિર્માતા વિદ્યાસાગરે ફેબ્રુઆરીમાં તેની વિરુદ્ધ છેતરપીંડી અને ખંડણીનો કેસ દાખલ કર્યો હતો. કાદમ્બરી જેઠવાનીએ આરોપ મૂક્યો હતો કે ઉચ્ચ પોલીસ અધિકારીઓએ વિદ્યાસાગરની સાથે મળીને મને અને મારા માતા-પિતાને હેરાન કર્યા, તેમની ધરપકડ કરી અને કોઈપણ પૂર્વ સૂચના વિના મુંબઈથી વિજયવાડા લઈ ગયા. મુંબઈના વતની જેઠવાનીએ જણાવ્યું હતું કે, 'પોલીસે મને અને મારા વૃદ્ધ માતા-પિતાને અપમાનિત કર્યા અને ગેરકાયદેસર રીતે અટકાયતમાં લીધા, જેના કારણે મારા પરિવારને 40 દિવસથી વધુ સમય માટે ન્યાયિક કસ્ટડીમાં રહેવાની ફરજ પડી હતી.'
આ પણ વાંચો: ઐશ્વર્યા રાય સીમા એવોર્ડસ દ્વારા બેસ્ટ એક્ટ્રેસ ક્રિટિક્સ એવોર્ડથી સમ્માનિત
કોણ છે કાદમ્બરી જેઠવાની?
28 વર્ષીય કાદમ્બરી જેઠવાની એક મોડેલ અને અભિનેત્રી છે. તેનો જન્મ અમદાવાદમાં એક હિન્દુ સિંધી જેઠવાણી પરિવારમાં થયો હતો. તેમના પિતા નરેન્દ્ર કુમાર મર્ચન્ટ નેવી ઓફિસર છે અને માતા આશા રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)માં મેનેજર છે.
કાદમ્બરી જેઠવાણીએ તેમનું શિક્ષણ પ્રકાશ હાયર સેકન્ડરી સ્કૂલ, માઉન્ટ કાર્મેલ હાઈ સ્કૂલ અને ઉદગમ સ્કૂલમાંથી મેળવ્યું હતું. આ તમામ અમદાવાદની પ્રતિષ્ઠિત સંસ્થાઓ છે. તેમજ તેણે ઉચ્ચતર માધ્યમિક પરીક્ષામાં ટોપ કર્યું હતું. 12 વર્ષની ઉંમરે, તેમણે ભરતનાટ્યમમાં વિશારદનું બિરુદ મેળવ્યું હતું.
આ ઉપરાંત કાદમ્બરીએ અમદાવાદની પ્રતિષ્ઠિત NHL મ્યુનિસિપલ મેડિકલ કોલેજમાંથી એમબીબીએસની ડિગ્રી પણ મેળવી છે. ત્યારબાદ તેના મમ્મીના ટ્રાન્સફરના કારણે તેનો પરિવાર મુંબઈ શિફ્ટ થઈ ગયો હતો.
આ ત્રણ IPS અધિકારીઓને કર્યા સસ્પેન્ડ
સરકારી આદેશ અનુસાર, પૂર્વ ઇન્ટેલિજન્સ ચીફ પી. સીતારામ અંજનેયુલુ (ડાયરેક્ટર જનરલ રેન્ક), ભૂતપૂર્વ વિજયવાડા પોલીસ કમિશનર કાંતિ રાણા ટાટા (ઇન્સ્પેક્ટર જનરલ રેન્ક) અને તત્કાલીન ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ (વિજયવાડા) વિશાલ ગુન્ની (પોલીસ અધિક્ષક)ને અભિનેત્રીને ખોટા કેસમાં ફસાવી હોવાથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.