Get The App

ઉત્તરાખંડનો યુનિફોર્મ સિવિલ કોડઃ સુધારો કે પછી બંધારણનું ઉલ્લંઘન?

Updated: Feb 2nd, 2025


Google NewsGoogle News
ઉત્તરાખંડનો યુનિફોર્મ સિવિલ કોડઃ સુધારો કે પછી બંધારણનું ઉલ્લંઘન? 1 - image


- કેન્દ્ર સરકારે રાજ્ય સરકાર દ્વારા ટ્રાયલ રન

- ઉત્તરાખંડના કાયદો રાજ્યની બહાર અમલમાં ન આવી શકે, કાયદાની અનેક જોગવાઈઓ ગેરબંધારણીય 

ઉત્તરાખંડનો યુનિફોર્મ સિવિલ કોડઃ સુધારો કે પછી બંધારણનું ઉલ્લંઘન? 2 - image

- ઓપિનિયન - પી.ચિદમ્બરમ્

ભારતના બંધારણના આર્ટિકલ ૪૪ મુજબ કેન્દ્ર સરકાર સમગ્ર દેશમાં નાગરિકો માટે યુનિફોર્મ સિવિલ કોડ સુનિશ્ચિત કરવા પ્રયાસ કરશે. વિચારધારા પ્રેરિત ભાજપે 'યુનિફોર્મ સિવિલ કોડ' શબ્દો પર ભાર મુક્યો છે. આ સમજી શકાય છે, પણ આપણે 'નાગરિકો' તેમજ 'સમગ્ર દેશ' શબ્દોની અવગણના ન કરી શકીએ.

બંધારણનો ઉદ્દેશ છે કે પ્રત્યેક નાગરિકને ભારતમાં કોઈપણ સ્થળે રહેવાનો અથવા સ્થાયી થવાનો અધિકાર છે અને દરેક નાગરિક પર તમામ સ્થળોએ એક સમાન સિવિલ કોડ લાગુ હોવો જોઈએ. રાજ્યની જવાબદારી તમામ નાગરિકો માટે અધિકારો સુનિશ્ચિત કરવાની છે. સંસદે મોટાભાગે એવી જવાબદારી પૂર્ણ કરી છે કે ભારતના નાગરિકો પર કોન્ટ્રાક્ટનો સમાન કાયદો, લિમિટેશનનો સમાન કાયદો, કોઈપણ સિવિલ કોર્ટમાં સમાન પ્રક્રિયા તેમજ નાગરિકના સિવિલ જીવન સંબંધિત બાબતો (ફોજદારી બાબતોથી વિપરીત) સમાન રીતે લાગુ પડે.

અહંકાર

સંસદ ચોક્કસપણે લગ્ન, છૂટાછેડા અને વારસા જેવી અન્ય સિવિલ બાબતો પર કાયદા બનાવવાની જવાબદારી ઉપાડી શકે. જો કે, લગ્ન અને છૂટાછેડા અથવા ઉત્તરાધિકાર અને વારસા સંબંધિત કાયદો બનાવવાની જવાબદારી ઉત્તરાખંડ રાજ્યએ ઉપાડીને પોતાના અહંકારનું પ્રદર્શન કર્યું છે. સૌ પ્રથમ તો, ઉત્તરાખંડ એવું નક્કી ન કરી શકે કે આ કાયદો ભારતના તમામ નાગરિકોને લાગુ પડશે. ઉત્તરાખંડમાં જન્મ્યા હોય તેવા કિસ્સામાં પણ રાજ્યનો કાયદો વ્યક્તિ ઉત્તરાખંડમાં રહેતો હોય ત્યાં સુધી જ લાગુ પડે. જો વ્યક્તિને અમુક કાયદો પસંદ ન હોય, તો તે સંબંધિત રાજ્ય છોડી શકે છે. ઉત્તરાખંડમાં રહેતી બે વ્યક્તિઓ આ રાજ્યની બહાર લગ્ન કરી શકે છે. બીજું, ઉત્તરાખંડ એવી ધારણા ન રાખી શકે કે તેનો કાયદો ઉત્તરાખંડમાં જન્મેલી વ્યક્તિને સમગ્ર દેશમાં લાગુ પડશે. આવી વ્યક્તિ ઉત્તરાખંડની બહાર લગ્ન કરે અથવા બાળક દત્તક લે અથવા રજિસ્ટર કરે, તો કાયદાના અમલનો સવાલ ઉપસ્થિત થશે. ઉત્તરાખંડનો કાયદો સંસદીય કાયદાથી વિપરીત હોય તેવા કિસ્સામાં સંસદનો કાયદો અમલમાં આવશે.

ઉત્તરાખંડે ભલે યુસીસી બનાવ્યો હોય, પણ વાસ્તવિક રીતે કેન્દ્ર સરકાર રાજ્યના ખભે બંદૂક મૂકીને પ્રહાર કરી રહી હતી. આ ચકાસણી માત્ર હતી. અપેક્ષા મુજબ, કાયદાએ વિવાદ જન્માવ્યો છે કારણ કે યુસીસીના વિચારની ચકાસણી કરવા રચાયેલી સક્ષમ બોડી, ૨૧માં લો કમિશને પોતાના ૩૧ ઓગસ્ટ, ૨૦૧૮ના રિપોર્ટમાં જણાવ્યું હતું કે આ કમિશને યુનિફોર્મ સિવિલ કોડની જોગવાઈ કરવાના સ્થાને ભેદભાવ સર્જતા કાયદાનો અભ્યાસ કર્યો છે, જે આ તબક્કે જરૂરી પણ નથી અને ઈચ્છનીય પણ નથી.

એવું પ્રતીત થઈ રહ્યું છે કે ઉત્તરાખંડનો હેતુ સમાજના બદલતા મૂલ્યો, નૈતિકતાઓ અને રીતિ-રિવાજને અનુરૂપ પ્રગતિશીલ અથવા ઉદાર કાનૂન બનાવવાનો નહોતો. કેન્દ્રના ગૃહ મંત્રીના શબ્દોમાં કહીએ તો તેનો હેતુ પ્રતિગામી વ્યક્તિગત કાનૂનો હટાવવાનો હતો. ઉત્તરાખંડનો કાયદો બહુમતવાદનો દાવો છે.

સુધારો?

કાયદાના ત્રણ વિભાગ છે. પ્રથમ ભાગ (સેક્શન ૪થી ૪૮) લગ્ન અને છૂટાછેડા સંબંધિત છે, બીજો ભાગ (સેક્શન ૪૯થી ૩૭૭) ઉત્તરાધિકાર સંબંધિત છે જ્યારે ત્રીજો ભાગ (સેક્શન ૩૭૮થી ૩૮૯) લિવ-ઈન રિલેશનશીપ સંબંધિત છે. ચોથો ભાગ પરચૂરણ બાબતો માટે છે.

પ્રથમ ભાગની અમુક જોગવાઈઓ આવકાર્ય છે. દ્વિપત્નીત્વ અથવા બહુપત્નીત્વ પ્રતિબંધિત હોવું જોઈએ. લગ્નની વય કન્યાઓ માટે ૧૮ અને યુવકો માટે ૨૧ હોવી જોઈએ. લગ્ન રજિસ્ટર કરવા ફરજિયાત છે.

કેટલીક જોગવાઈઓ સંપૂર્ણપણે ગેરબંધારણીય છે. કાયદો રહેવાસી નાગરિકને લાગુ પડે છે, પછી તે ઉત્તરાખંડમાં રહેતો હોય કે બહાર રહેતો હોય. એક વ્યાપક પરિભાષા છે જેમાં ૧) થોડો સમય માટે ઉત્તરાખંડમાં કેન્દ્ર સરકારનો કાયમી કર્મચારી તૈનાત થયો હોય અને ૨) કેન્દ્ર સરકારની કોઈપણ યોજનાનો લાભાર્થી. કાયદાએ પ્રાદેશિક અધિકારક્ષેત્રનો ભંગ કર્યો હોઈ શકે. છૂટાછેડા સંબંધિત કેટલીક જોગવાઈઓ વિવાદાસ્પદ છે. કેટલીક જોગવાઈઓ યથાસ્થિતિવાદી છે. વ્યક્તિ માત્ર પુરુષ અથવા સ્ત્રી હોઈ શકે અને લગ્ન માત્ર પુરુષ અને સ્ત્રી વચ્ચે કાયદેસર ગણાય. કેટલીક જોગવાઈઓ પ્રતિગામી છે. વૈવાહિક અધિકારોની પુનઃસ્થાપનાની કાલબાહ્ય રાહત જાળવી રાખવામાં આવી છે.

લિવ-ઈન રિલેશનશીપ સંબંધિત ત્રીજો વિભાગ પ્રતિગામી ઉપરાંત ગેરબંધારણીય બંને છે. કાયદો ઉત્તરાખંડની બહાર રહેતા ઉત્તરાખંડના રહેવાસીઓને લાગુ પડતો હોવાનો દાવો કરાય છે, જે અસ્પષ્ટતાનું સચોટ ઉદાહરણ છે. 

સમગ્ર ત્રીજો વિભાગ અંગત સ્વતંત્રતા અને ગોપનીયતાનું ઘોર ઉલ્લંઘન છે અને તેને ગેરબંધારણીય ગણીને રદ કરવામાં આવશે. નિયમો (નિયમ ૧૫થી ૧૯) તો સૌથી ખરાબ છે. માનો કે ન માનો, તે લિવ-ઈન પાર્ટનરોની ફરજો અને અધિકારો નક્કી કરે છે.

વિરોધાભાસ

બીજો ભાગ ઉત્તરાધિકાર સંબંધિત છે. વધુ વિશ્લેષણને આધીન, એવું લાગે છે કે વસીયત વિનાના ઉત્તરાધિકરની બાબતમાં હિન્દુ ઉત્તરાધિકાર કાયદો, ૧૯૫૬ની વિશેષતાઓ અન્ય ધાર્મિક સમુદાયોમાં પ્રચલિત ઉત્તરાધિકારના નિયમોને બાકાત રાખીને મામૂલી ફેરફાર સાથે કાયદામાં સમાવિષ્ટ કરવામાં આવી છે. કાયદામાં સંપતિની વ્યાખ્યા કરવામાં આવી છે અને સંપતિમાં સહિયારા હિતને માન્યતા આપી હોવાનું પ્રતીત થાય છે, જેનો અર્થ થાય છે કે કાયદાએ હિન્દુ સમુદાયમાં પ્રચલિત પ્રથાઓને સ્થગિત કરી છે. વસીયત દ્વારા ઉત્તરાધિકારના મામલામાં કોર્ટ દ્વારા અર્થઘટન કરાયેલા ભારતીય ઉત્તરાધિકાર કાયદા, ૧૯૨૫ હેઠળના નિયમો સામેલ કરવામાં આવ્યા છે.

કાયદાની બાહ્ય પ્રાદેશિક પહોંચ, પ્રથમ દ્રષ્ટિએ ગેરબંધારણીય ગણવામાં આવશે. શબ્દો અને સૂચિતાર્થ દ્વારા ઉત્તરાખંડના કાયદાએ બહુમતી સમાજ પર આધાર રાખ્યો છે અને બિન-હિન્દુ સમુદાયોમાં પ્રચલિત અંગત કાયદાઓને બાજુએ મુક્યા છે. ઉત્તરાખંડના કાયદાએ સુધારાના બીજ રોપ્યા છે કે પછી સંઘર્ષના? માત્ર સમય જ કહેશે.


Google NewsGoogle News